Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઈઝરાયલનો ઈરાન ઉપર હુમલોઃ પરમાણુ કેન્દ્રો તબાહ કરી દીધા

ઈઝરાયલ અને તેના ઘોર વિરોધી દેશ ઈરાન વચ્ચે સાયબર એટેક ચરમસીમા પરઃ ઈઝરાયલે સાયબર હુમલો કરી ઈરાનના પરમાણુ કેન્દ્રોમાં બે વિસ્ફોટ કરાવ્યાં : ઈઝરાયલના ફાઈટર જેટ લડાકુ વિમાનોએ ઈરાનના મિસાઈલ બેઈઝને બોમ્બથી ફુંકી માર્યાઃ ઈઝરાયલના હુમલાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને પડયો ફટકો

નવી દિલ્હી, તા. ૪ :. ઈઝારાયલ અને તેના ઘોર વિરોધી ઈરાન વચ્ચે સાયબર એટેક ચરમસીમા પર છે. છેલ્લામા છેલ્લા ઘટનાક્રમમાં ઈઝરાયલે જોરદાર હુમલો કરી ઈરાનના પરમાણુ અડ્ડાઓમાં બે વિસ્ફોટ કરાવ્યા છે. આમાથી એક યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે અને બીજુ મિસાઈલ નિર્માણ કેન્દ્ર છે. એટલુ જ નહિ ઈઝરાયલે પોતાના ઘાતક એફ-૩૫ ફાઈટર જેટની મદદથી ઈરાનના પર્ચીન વિસ્તારમાં મિસાઈલ નિર્માણ સ્થળ પર હુમલો કર્યો હતો અને તેને બરબાદ કરી દીધુ હતું.

કુવૈતી અખબાર અલ જરીદાના રીપોર્ટ અનુસાર આ ઘટના ગયા સપ્તાહે બનવા પામી હતી. અખબારના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલના સાયબર હુમલાથી ગુરૂવારે ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્રમાં આગ લાગી હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ સમગ્ર કેન્દ્ર જમીનની અંદર બનાવવામાં આવ્યુ હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈઝરાયલી હુમલા બાદ હવે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બે મહિના પાછળ ચાલ્યો ગયો છે.

અલ જરીદાના જણાવ્યા પ્રમાણે ગયા શુક્રવારે ઈઝરાયલના એફ-૧૬ સ્ટીલ્થ ફાયટર જેટે પર્ચીન વિસ્તારમાં આવેલ એક ઈરાની કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને અનેક બોમ્બ ઝીંકયા હતા. માનવામાં આવે છે કે આ મિસાઈલ ઉત્પાદન કેન્દ્ર હતું.

આ બન્ને હુમલાની ઈઝરાયલે પુષ્ઠી નથી કરી. અત્રે નોંધનીય છે કે ઈઝરાયલ એવો આરોપ મુકે છે કે પોતાના હથીયાર અને મિસાઈલોને ઈરાન સતત યહુદીઓ વિરોધી હીઝબુલ્લાને ઉપલબ્ધ કરાવે છે. એવામાં અચાનક આ હુમલાથી ઈરાનને આંચકો લાગ્યો છે.

(3:38 pm IST)