Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

હોમ આઈસોલેશન માટે નવી ગાઈડલાઈન્સ જાહેર

હોમ આઈસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના ૧૦ દિવસમાં જો ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૪: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વાયરસના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા કેસો વધતા આ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

કયા દર્દીઓને હોમ આઈસોલેશન કરાશે?

સારવાર કરતા મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્પ્ટોમેટિક, વેરી માઈલ્ડ સિમ્ટોમેટિક અને પ્રિ-સિમ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યા હોય. આવા કિસ્સામાં દર્દી પાસે ઘરે આઈસોલેશન માટેની સુવિધા હોવી જોઈએ તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા જરૂરી છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓને કે જેમને અન્ય રોગો પણ હોય તેમને તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન બાદ જ હોમ આઈસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે.

 દર્દીની સંભાળ રાખવા માટે એક વ્યકિત ૨૪ કલાક હાજર હોવી જોઈએ તથા આઈસોલેશન દરમિયાન દર્દી અને હોસ્પિટલ વચ્ચે કોમ્યુનિકેશન જરૂરી છે. દર્દીની સંભાળ રાખનારા દર્દીના નજીકના તમામ લોકોએ ડોકટર્સ દ્વારા જણાવ્યા પ્રમાણે હાઈડ્રોકિસકલોરોકિવન પ્રોફિલેકસીસ લેવી જોઈએ. મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. દર્દી સેલ્ફ આઈસોલેશન અને હોમ કવોરેન્ટિન ગાઈડલાઈન્સનું પાલન કરશે તેવી ખાતરી આપવી પડશે.

હોમ આઈસોલેશનનો સમયગાળો

 હોમ આઈસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના ૧૦ દિવસમાં જો ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીને સલાહ આપવામાં આવશે કે હોમ આઈસોલેશન થઈને વધુ સાત દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. હોમ આઈસોલેશનનો સમય પૂરો થયા બાદ તેની જરૂર રહેશે નહીં.

 કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવત હોય અથવા તો કોરોનાગ્રસ્ત હોય તેવા દર્દીઓએ ચોક્કસ સમયગાળા માટે સેલ્ફ આઈસોલેશન જાળવવાની બાંહેધરી આપવાની રહેશે.

દર્દીઓએ આટલું ધ્યાન રાખવું પડશે

હોમ આઈસોલેશન દરમિયાન દર્દીઓએ ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. જો માસ્ક ભીનો થઈ જાય અથવા તો મેલો લાગે તો આઠ કલાક બાદ તેનો યોગ્ય નિકાલ કરી દેવો પડશે. માસ્કને સોડિયમ હાઈપો-કલોરાઈટથી ડિસઈન્ફેકટ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો પડશે.

 દર્દીએ નક્કી કરેલા રૂમમાં ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ. દર્દીએ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને પૂરતી ઊંઘ જરૂરી છે. વારંવાર સાબુ અને પાણીથી ૪૦ સેકન્ડ હાથ ધોતા રહેવું પડશે અથવા તો આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરથી સાફ કરતા રહેવું પડશે.

 દર્દીએ ડોકટર્સની સૂચનાઓ અને સલાહોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને નિયમિત રીતે દવાઓ જરૂરી છે. દર્દીએ દૈનિક તાપમાનની દેખરેખ સાથે તેના સ્વાસ્થ્યનું જાતે નિરિક્ષણ કરવું પડે. કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક જાણ કરવાની રહેશે.

(11:22 am IST)