Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જીએસટીના ૪ને બદલે ૩ સ્લેબ થશેઃ સરળીકરણ ઉપર મુકાશે ભાર

ટૂંક સમયમાં મળશે જીએસટી કાઉન્સીલની બેઠકઃ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાને બદલે ૮ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના સ્લેબ રાખવા વિચારણા થશેઃ સિસ્ટમ વધુ સુદ્રઢ કરવા પણ વિચારાશેઃ જે આઈટમ પર ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચરની મુશ્કેલી છે તે દૂર કરવા પ્રયાસ થશેઃ આવી આઈટમના રેટમાં ફેરફારની શકયતા

નવી દિલ્હી, તા. ૪ :. જીએસટી શાસનના ચોથા વર્ષમાં બે મોટા સુધારાઓ જોવા મળે તેવી શકયતા છે. રાજકીય વિચારધારાઓને બદલે વિવેકના આધાર પર ટેકસ રેટનું સરળીકરણ અને વધુ કોમ્પલાયન્સ સરળ કરવામાં આવે તેવી શકયતા છે તેવુ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોનું કહેવુ છે. લોકોએ કહ્યુ છે કે જીએસટીના ૪ના બદલે ૩ સ્લેબ પર વિચાર કરવામાં આવે તેવી શકયતા છે. જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના વર્તમાન સ્લેબના સ્થાને ૮ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા નક્કી થાય તેવી શકયતા છે. સૂત્રોએ કહ્યુ છે કે હવે મળનાર જીએસટી કાઉન્સીલમાં ટેકસસ્ટાઈલ, ફર્નિચર અને ખાતર જેવા ક્ષેત્રો માટે ડયુટી ડીસ્ટોરેશન (વિકૃતિઓ)ને દૂર કરવા વિચારણા થાય તેવી શકયતા છે. અહીં ફીનીશ્ડ ગુડ કરતા ઈનપુટ પર ટેકસ વધુ લાગતો હોય છે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેકસ સ્લેબમા ઘટાડો અને ઈન્વર્ટ ડયુટી સ્ટ્રકચરમાં સુધારા બન્ને કેટલીક વસ્તુઓના કર દરોમાં વૃદ્ધિ અને ઘટાડા બન્નેને પ્રોત્સાહન આપશે. અત્રે નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીને કારણે અર્થતંત્ર હજુ માંડ લોકડાઉનમાંથી બહાર આવ્યુ છે ત્યારે કાઉન્સીલ યોગ્ય સમયે દરોના સરળીકરણ પર નિર્ણય લઈ શકે છે કે જેથી બીઝનેશ અને ગ્રાહકો બન્ને ઉપર માઠી અસર ન પડે. કોમ્પલાયન્સ સરળ કરવાની બાબત સતત પ્રક્રિયા છે અને તે ચાલુ રહેશે.

ભારતમાં ૨૦૧૭માં જીએસટી લાગુ થયુ હતુ એ અત્રે નોંધનીય છે. સૂત્રોના કહેવા મુજબ ૧૦ મીલીયન જીએસટી રીટર્ન ફાઈલ થયા છે અને લગભગ ૧ ટ્રીલીયન કરોડ માસિક એકઠા થયા છે. હવે સમય છે કે તેને વધુ સરળ બનાવવામાં આવે કે જેથી ટેકસ કલેકશન વધે અને સીસ્ટમ એવી બને કે કરદાતાઓને પણ સરળતા રહે. હવે બધો નિર્ણય જીએસટી કાઉન્સીલ લેશે.

જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઈન્વર્ટેડ ડયુટીવાળી આઈટમના રેટમાં ફેરફાર થઈ શકે છે. આવી આઈટમમાં ખાતર, ફુટવેર, ટ્રેકટર, ફાર્મા, તૈયાર કપડા, વોટર પમ્પ, મેડીકલ સાધનો સામેલ છે. જેના કારણે ૨૦ કરોડનુ નુકશાન થાય છે. આ બધી ચીજોમાં ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચરની મુશ્કેલી છે એટલે કે તેનો ઈનપુટ જીએસટી વધુ છે અને આઉટપુટ પ્રોડકટ પર જીએસટી ઓછો હોય છે. આવી અનેક આઈટમ છે જેના ઉપર સરકાર ધ્યાન કેન્દ્રીત કરશે.

(9:53 am IST)