Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત

પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

 ઇસ્લામબાદ,તા.૪ : કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાલ ડરનો માહોલ છે. દિવસેને દિવસે આ વાયરસના કેસો વધતા જાય છે. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે, જયાં આ ખતરનાક વાયરસની પહોંચ નહીં હોય. આ વાયરસના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની હાલત પણ ખરાબ થઈ રહી છે. ત્યાં પણ સંક્રમણથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેની જાણકારી ખુદ પોતાના ટ્વીટર હૈંડલ પર આપી છે.

 શાહ મહમૂદ કુરૈશીએ લખ્યુ છે કે, બપોરના મને હલ્કો તાવ આવ્યો અને મેં ઘરે તુરંત જ પોતાની જાતને કવોરન્ટાઈન કરી દીધો. હું કોરોનાથી પોઝિટીવ આવ્યો છું. અલ્લાહની કૃપાની હું મજબૂત અને ઉર્જાવાન જણાઈ રહ્યો છું. હું ઘરમાં જ મારી ડ્યુટી ચાલુ રાખીશ. કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો.

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આવી રહી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ૨.૨૦ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુકયા છે, તથા ૪૫૦૦થી વધુ લોકોના જીવ ગયા છે.

(9:52 am IST)