Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કેન્દ્ર સરકારમાં સાત લાખ જગ્યાઓ ખાલી

ફકત રેલ્વેમાં જ ૨.૬ લાખ ખાલી જગ્યાઓ : શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારનું લોકસભામાં બયાન

નવી દિલ્હી : શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે  ગઇકાલે લોકસભામાં કહયું કે માર્ચ ૨૦૧૮ સુધીમાં સરકારી વિભાગોમાં લગભગ સાત લાખ જગ્યાઓ ખાલી પડી છે. રેલ્વેમાં લગભગ ૨.૬ લાખ જગ્યાઓ ખાલી પડી છે. જોકે માર્ચ ૨૦૧૯માં પુરા થયેલ નાણાકીય વર્ષમાં કેટલી જગ્યાઓ ખાલી હતી તે અંગેના કોઇ આંકડાઓ સંસદમાં નહોતા અપાયા અને તેના માટેનું કોઇપણ કારણ પણ નહોતું આપવામાં આવ્યું.

ગંગવારે કહયું કે ખાલી જગ્યાઓ ભરવાનું ભારત સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. આ ઉપરાંત રોજગારીની તકો ઉભી કરવા અને રોજગારીમાં  સુધારો કરવા પર પણ સરકાર ભાર મુકી રહી છે. કોંગ્રેસી સંસદ સભ્ય દિપક બૈજ અને ભાજપા સાંસદ દર્શના જરદોશ દ્વારા પુછાયેલ પ્રશ્નોના જવાબમાં તેમણે આ વિગતો આપી હતી.

વ્યય વિભાગ અનુસાર સરકારી વિભાગો અંને મંત્રાલયોમાં બધા સ્તરો પર એક માર્ચ-૨૦૧૯ સુધીમાં ૬.૪ લાખ જગ્યાઓ ખાલી હતી. આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ૩૮.૦૩ લાખ નક્કી થયેલ જગ્યાઓ સામે ફકત ૩૧.૧૯ લાખ જગ્યાઓ પર જ નિયુકિત થઇ છે. સોૈથી વધુ નોકરી આપનાર રેલ્વેમાં કાયદેસર જગ્યાઓ ૧૫.૦૮ લાખ હતી. ત્યારપછી બીજા નંબર પર રક્ષા મંત્રાલય આવે છે. જયાં સ્વીકૃત જગ્યાઓ ૫.૮૫ લાખની સામે ૧.૮૭ લાખ જગ્યાઓ ખાલી પડી છે, જયારે દિલ્હી પોલીસમાં ૭૨૩૬૫ જગ્યાઓ ખાલી બોલે છે.

(1:25 pm IST)