Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ખેડૂતો માટે 'અચ્છે દિન' : ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો

ચૂંટણીના વર્ષમાં મોદી સરકારે ખેલ્યું 'કિસાનકાર્ડ' : ૧૦ વર્ષમાં અનાજના MSPમાં સૌથી ખોટો વધારો : ખેડૂતોને દોઢ ગણુ 'ઇન્ક્રીમેન્ટ' : ૧.૫ ગણા MSP વધારાને મંજુરી : અનાજના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમાં રૂ. ૨૦૦નો વધારો : સરકારને 'કિસાન પ્રેમ' રૂ. ૩૫૦૦ કરોડમાં પડશે : ૧૨ કરોડ ખેડૂતોને મળશે સીધો લાભ : ખરીફના ૧૪ પાકના ટેકાના ભાવમાં વધારો

નવી દિલ્હી તા. ૪ : ૨૦૧૯ની સામાન્ય ચુંટણી પહેલા બજેટની ઘોષણા પર અમલ કરીને મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કિંમતથી ૫૦ ટકા વધુ ભાવ આપવાના વાયદા હેઠળ કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાકના નવા સમર્થન મૂલ્યને મંજુરી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકનું ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૨૦૦ રૂપિયાથી વધારીને ૧,૭૫૦ રૂપિયા કવિન્ટલ કરી દેવામાં આવ્યું છે. જોકે એ ગ્રેડ પાક પર ૧૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે હજુ સરકાર દ્વારા સત્તાવાર રીતે એલાન કરવામાં આવ્યું નથી.

૧૦ વર્ષ બાદ ખરીફ પાકમાં આટલો મોટા પ્રમાણમાં વધારો થયો છે. અગાઉ ૨૦૦૮-૨૦૦૯માં યુપીએ સરકારે ૧૫૫ રૂપિયાનો વધારો કર્યો હતો. આ પગલું બજેટમાં ખેડૂતોને તેની ઉપજ મૂલ્યના ઓછામાં ઓછા ૧.૫ ગણુ મળવા અંગેની ઘોષણાને અનુરૂપ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ૧૪ ખરીફ પાકોના ન્યુનત્તમ સમર્થન મૂલ્યમાં મહત્તમ વધારો કરાયો છે. એમએસપી ૯૦૦ રૂપિયાથી વધારીને ૨૭૦૦ રૂપિયા પ્રતિ કવિન્ટલ કરવામાં આવી છે. મકાઇના મૂલ્યને ૧૪૨૫થી વધારીને ૧૭૦૦ કરાયું. મગની એમએસપીને ૫૫૭૫થી વધારીને ૬૯૭૫ કરાયું. અડદની એમએસપીને ૫૪૦૦થી વધારીને ૫૬૦૦ કરવામાં આવ્યું. બાજરાની એમએસપીને ૧૪૨૫થી વધારીને ૧૯૫૦ કરાયું.

કપાસ માટે ખેડૂતોને અત્યાર સુધી ૪૦૨૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિ.ગ્રા. મળી રહ્યું હતું. હવે તેને વધારીને ૫,૧૫૦ કરાયું. લાંબા રેશાવાળા કપાસની કિંમત ૪૩૨૦થી વધારીને ૫૪૫૦ કરવામાં આવી છે.

આ વધારાની સરકારની તિજોરી પર ૩૩,૫૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે. વધેલી એમએસપીની કિંમત જીડીપીના ૦.૨ ટકા છે. અતિરિકત ખર્ચમાં ધાનની ભાગીદારી ૧૨,૩૦૦ કરોડ છે.

ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘોષણા કરી હતી કે મંત્રી મંડળે પોતાની આવનારી બેઠકમાં એમએસએમપીમાં ઓછામાં ઓછા ૧.૫ ગણા વધારાને મંજુરી આપશે.

જે ખરીફ પાકોમાં એમએસપી પહેલાથી ઉત્પાદન કિંમતના ૧.૫ ગણુ છે, તેમાં વધારો મામુલી હશે પરંતુ ધાન, રાગી અને મગ જેવા પાકોના એમએસપીમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. આ પાકોની એમએસપી કિંમતના ૧૫૦ ટકા ઓછા હતા.

સરકાર જે તે ખેત પેદાશ માટે એક ચોક્કસ ભાવ જાહેર કરે છે. માર્કેટિંગ યાર્ડોમાં જયારે સરકારે જાહેર કરેલા ભાવથી ઓછા ભાવે ખેત પેદાશોનું વેચાણ થવા લાગે ત્યારે સરકાર ટેકાના ભાવથી વસ્તુઓની ખરીદી કરવાની શરૂઆત કરે છે. આવું કરવા પાછળનો ઉદેશ્ય ખેડૂતોને ખેત પેદાશોનું યોગ્ય વળતર મળી રહે તેવો છે.

દેશના વડાપ્રધાન મોદી અવાર નવાર પોતાની રેલીઓમાં ખેડૂતોની આવક બમણી કરવાની વતાનો ઉલ્લેખ કરતા રહે છે. સરકારે વર્ષ ૨૦૨૨ સુધી તમામ ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે.

ખેડૂતોની આવક ડબલ કરવા માટે સરકારે કેન્દ્રીય બજેટ-૨૦૧૮માં અમુક જોગવાઈ કરી હતી. જેમાં એપીએમસી અને ખેડૂતો વચ્ચેની કડી ઉભી કરવા સરકારે ૨૨,૦૦૦ રૂરલ માર્ટ ઉભા કરવાની જાહેર કરી હતી. સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર ખેડૂતોના ઉત્પાદન ખર્ચથી ૫૦ ટકા વધારે ભાવ મળી રહે તે માટે કાર્ય કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મંત્રી રાધા મોહન સિંહ અને નીતિ આયોગનાં સભ્યો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ૨૦૧૮-૧૯ માટે ટેકાનાં ભાવોની જાહેરાત આજે કરી છે. પીએમ મોદીનું લક્ષ્ય ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું છે. મોદી સરકારનો આ નિર્ણય હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં ઘણા રાજયોમાં સીધી અસર બતાવશે. આ રાજયોમાં ખેડૂતોની સંખ્યા વધારે છે અને લોકસભા સીટોની પણ. દેશનાં ૧૨ કરોડ ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો થશે.

નામ

૧૦૦ k.g.

મણનો

 

ભાવ

ભાવ

સોયાબીન

૩૩૯૯

૧૭૦

તલ

૬૪૨૯

૩૨૧

સિંગદાણા

૪૮૯૦

૨૪૫

તુવેર

૧૭૭૫

૮૯

ડાંગર

૧૭૫૦

૮૮

મગ

૬૯૭૬

૩૪૯

અડદ

૫૬૦૦

૨૮૦

(3:44 pm IST)