Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોરોના સંકટ અંગે આપણે પશ્ચિમ તરફ જોયું: વાયરસ ન અટકયોઃ ઇકોનોમી તબાહ થઇ

રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં રાજીવ બજાજના પ્રહારો

નવી દિલ્હી, તા.૪: જાણીતા ઉદ્યોગપતિ રાજીવ બજાજે ગુરૂવારે કહ્યું છે કે કોરોના સંકટને નિપટવા અંગે ભારત પશ્ચિમી દેશો તરફ જોયું અને કઠીન લોકડાઉન લગાવ્યું જેનાથી ન તો વાયરસ અટકયો કે ન તો તેનો પ્રસાર અટકયો પણ અર્થતંત્ર તબાહ થઇ ગયું, તેમણે આજે રાહુલ ગાંધી સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે ઘણા લોકો બોલવાથી ડરે છે અને એવામાં સહિષ્ણુ તથા સંવેદનશીલ રહેવાને લઇને ભારતમાં ઘણા સુધારાની જરૂર છે.

ઉદ્યોગપતિ રાજીવ બજાજઃ મને લાગે છે આપણે બધા અનિશ્યિતતા વચ્ચે કંઈક નિશ્યિત શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધા માટે એક નવો અનુભવ છે. આ એક કડવો-મીઠો અનુભવ છે. અમારા જેવા કેટલાક લોકો જે આ સહન કરી શકે છે તેઓ દ્યર પર રહેવાથી વધુ દુઃખી નથી. પરંતુ જયારે તમે આસપાસના વ્યવસાય અને જનતાની સ્થિતિ જુઓ છો તો એ નિશ્યિત રીતે મીઠપની સરખામણીએ કડવાશ વધારે છે. એટલે દરેક દિવસ એક નવો બોધપાઠ લઈને આવે છે કે એને કેવી રીતે સહન કરવો. એ સારવારની દૃષ્ટિએ હોય, વ્યાપારની દૃષ્ટિએ કે વ્યકિતગત રીતે.

રાહુલ ગાંધીઃ આ ઘણી ગંભીર બાબત છે મને નથી લાગતું કે કોઈએ એવું વિચાર્યું હોય કે વિશ્વભરમાં આ રીતે લાઙ્ખકડાઉન કરી દેવાશે. હું નથી સમજતો કે વિશ્વયુદ્ઘ દરમિયાન પણ દુનિયા બંધ કરી દેવાઈ હતી. ત્યારે પણ વસ્તુઓ ખુલ્લી હતી. આ અકલ્પનીય અને વિનાશક પરિસ્થિતિ છે.

રાજીવ બજાજઃ મારા પરિવારજન અને કેટલાક મિત્રો જાપાનમાં છે. કારણકે કાવાસાકી સાથે અમારુ જોડાણ છે. કેટલાક લોકો સિંગાપોરમાં છે. યુરોપમાં દ્યણી બધી જગ્યાએ મિત્રો છે. અમેરિકા, ન્યૂયોર્ક, મિશિગન, વોશિંગ્ટન ડીસીમા નજીકના મિત્રો અને પરિવારના સભ્યો છે. જયારે તમે એમ કહો છો કે વિશ્વમાં આ રીતે કયારેય લોકડાઉન લગાવવામાં નથી આવ્યું પરંતુ જે રીતે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે એ એક ડ્રેકોનિયન એટલે કે નિર્દયી લોકડાઉન છે કારણકે આ પ્રકારના લોકડાઉન વિશે કયાંયથી સાંભળી નથી રહ્યો. વિશ્વભરમાં મારા બધા મિત્રો અને પરિવારના સભ્યો હંમેશા બહાર નીકળવા, ટહેલવા, ફરવા અને જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા તથા કોઈને પણ મળવા અને નમસ્તે કહેવા માટે સ્વતંત્ર છે. એટલા માટે આ લાઙ્ખકડાઉનની સામાજિક અને ભાવનાત્મક બાજુઓના સંદર્ભમાં કહીએ તો એ લોકો વધારે સારી સ્થિતિમાં છે.

રાહુલ ગાંધીઃ અને આ અચાનક થયું. તમે જે કડવી-મીઠીવાળી વાત કહી એ મારા માટે ચોંકાવનારી છે. જુઓ, સમૃદ્ઘ લોકો આને પહોંચી વળી શકે છે. એમની પાસે દ્યર છે, આરામદાયક માહોલ છે પરંતુ ગરીબ લોકો અને પ્રવાસીઓ શ્રમિકો માટે આ સંપૂર્ણ રીતે વિનાશક છે. એમણે હકીકતમાં આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, દ્યણા લોકોએ કહ્યું છે કે તેઓ વિશ્વાસ ગુમાવી ચૂકયા છે. વિશ્વાસ જ નથી રહ્યો, અને મને લાગે છે કે આ ઘણું દુઃખદ અને દેશ માટે ખતરનાક છે.

રાજીવ બજાજઃ મને શરૂઆતથી જ લાગે છે, આ મારો વિચાર છે. આ સમસ્યાના દૃષ્ટિકોણ વિશે એ નથી સમજી શકયો કે એશિયાઈ દેશ હોવા છતાં આપણે પૂર્વના દેશો તરફ ધ્યાન નથી આપ્યું. આપણે ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન અને અમેરિકા તરફ જોયું જે હકીકતમાં કોઈપણ રીતે સાચો માપદંડ નથી. પછી એ જન્મજાત રોગપ્રતિકારક ક્ષમતા હોય, તાપમાન કે પછી વસતી કે ભૌગોલિક પરિસ્થિતિ હોય. વૈજ્ઞાનિકો અને ડોકટરોએ જે કંઈ કહ્યું છે એ સાચું છે કે, આપણે એમના તરફ કયારેય જોવું જોઈતું ન હતું. જો મેડિકલ દૃષ્ટિએ જોવામાં આવે તો એક ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માળખું સ્થાપિત કરવાથી શરૂ કરવું પડશે. આપણે બધા જાણીએ છીએ કે આ પ્રકારની સ્થિતિ ને પહોચી વળવા માટે એવું કોઈપણ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર હોઈ ન શકે જે પૂરતું હોય. પરંતુ કોઈપણ આપણને એ કહેવા માટે તૈયાર ન હતું કે કેટલા ટકા લોકો જોખમમાં છે. એવું દેખાય છે કે અથવા તો આપણે પોતાને તૈયાર કરી રહ્યા છીએ અથવા કદાચ આપણે પોતાને તૈયાર નથી કરી શકતા. આવું કહેવું રાજકીય રીતે યોગ્ય નથી. પરંતુ જેમ કે નારાયણ મૂર્તિજી હંમેશા કહે છે કે, જયારે આશંકા હોય તો હંમેશા એને સ્પષ્ટ કહેવી જોઈએ. મને લાગે છે કે આપણે ત્યાં ખુલીને વાત કરવા, તર્ક આપવા અને સચ્ચાઈ કહેવાને મામલે કમી રહી ગઈ છે. અને પછી એ વધતું ગયું અને લોકોમાં એટલો બધો ડર ઊભો કરી દેવાયો છે કે લોકોને લાગે છે કે આ બીમારી એક સંક્રમક કેન્સર કે પછી કંઈક એના જેવી છે. હવે લોકોના વિચાર બદલવા અને જીવનને ફરી પાટા પર લાવવા તથા એમને વાઇરસ સાથે જીવન સહજ બનાવવાની નવી શિખામણ સરકાર તરફથી આવી રહી છે. આમાં લાંબો સમય લાગવાનો છે. આપને શું લાગે છે? મને તો એવું જ લાગે છે.

(4:08 pm IST)