Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

છેલ્લા શ્વાસ સુધી લડીશ : મરૂ તો પણ ભાજપમાં ના જાવઃ બાપુ

રાક્ષસોનો જીવ ગુજરાતના પોપટમાં છે તેમ કહી મેચ ફીકસીંગ-ધારાસભ્ય ખરીદી મુદ્દે શંકરસિંહજીએ ભાજપ-કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો : ૧ર (બાર) વિધાનસભા બેઠકની પેટાચુંટણી નિહાળતા વાઘેલાઃ આજ સુધી લેવા માટે કયાંય ગયો નથી જનસંઘને લોહી રેડી મજબુત કર્યો હતો : શરદ પવારને મળ્યા બાદ આગળનો નિર્ણયઃ વાઘેલા

રાજકોટ, તા., ૪: ગુજરાત એનસીપીના પ્રમુખપદેથી બાપુને હટાવી જયંત બોસ્કીની વરણી થતા બાપુ અને બાપુ જુથ નારાજ થઇને આક્રોશ દર્શાવી રહયા છે. એનસીપીમાંથી કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલ સહીત મોટાભાગના હોદેદારોએ રાજીનામા આપી દીધા છે ત્યારે બાપુએ આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લઇને આકરા રાજકીય પ્રહારો કર્યા હતા.  આજની પ્રેસ કોન્ફરન્સમાં બાપુ લડાયક મુડમાં

જોવા મળ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે એનસીપીમાં નિર્માણ પામેલી રાજકીય પરિસ્થિતિ અંગે એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ  શરદ પવાર સાથે વાત કર્યા બાદ આગળનો નિર્ણય કરીશ. પરંતુ એક વાત ચોક્કસ છે કે મારા દેહમાં લોહીનું એક ટીપુ બાકી હશે ત્યાં સુધી હું લોકો માટે અન્યાય અને ભાજપ સામે લડીશ. તેમણે એવો હુંકાર પણ કર્યો હતો કે હવે આ ભવમાં તો ભાજપમાં નહી જ જાઉ આગામી દિવસોમાં ૧ર જેટલી બેઠકો મેચ-ફીકસીંગમાં કારણે ખાલી થઇ છે તથા થવાની છે તે માટે તમામ બેઠકો પણ ત્રીજા પરીબળ તરીકે વટભેર અમે આગળ આવશું.

બાપુએ આકરા પ્રહારો કરતા કહયું હતુ કે દિલ્હીમાં બેઠેલા રાક્ષસોનો જીવ ગાંધીનગરના પોપટમાં છે આ પોપટની ડોક મરડવા જે કરવુ પડશે તે બધુ જ કરી છુટશુ઼. પરંતુ ભાજપને સતા પરથી ફેંકી દેવા કોઇ કચાશ નહી છોડું.

શંકરસિંહજીના જણાવ્યા મુજબ હું કયારેક કોઇ જગ્યાએ કાંઇ લેવાના આશયથી ગયો નથી. ભાજપ છોડી સતા વિહોણી કોંગ્રેસમાં ગયો હતો અને જનસંઘમાં જોડાયો ત્યારે તે પાર્ટી પણ સતાવિહોણી હતી ૧પ થી ર૦ વર્ષ લોહી રેડીને કુવામાંથી પાણી કાઢીને પીધુ છે. મારા એ વખતના જનસંઘ-ભાજપના કાર્યકરોની સ્થિતિ જોઇને પણ દુઃખ થાય છે. હેરાન થતા કાર્યકરોની સ્થિતિ જોઇને પણ દુઃખ થાય છે. હેરાન થતા કાર્યકરો આગેવાનોના સાથ-સહકારની પણ આશા રાખુ છું.

બાપુએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શરદ પવારજીને મળ્યા બાદ આગળની રણનીતી નક્કી કરીશ પરંતુ જે પણ કરીશ તે વટભેર કરીશ અને ભાજપના મુળીયા ઉખાળી નાખવા માટે બધુ જ કરી છુટીશ.

બાપુએ એવી આગમવાણી પણ ઉચ્ચારી હતી કે હજુ મેચ-ફીકસીંગો થશે અને કુલ ૧ર વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી આવશે આ પેટા ચુંટણીમાં મજબુત ઉમેદવારો અને મજબુત ઇરાદાઓ લઇને મેદાને ઉતરીશું.

શંકરસિંહજીના જણાવ્યા મુજબ ભવિષ્યમાં જે પણ કાંઇ નક્કી થાય પરંતુ ત્રીજા વિકલ્પ તરીકે મજબુત નેતાગીરી આપીશ. વિધાનસભા ઉપરાંત મહાનગર પાલીકા, જીલ્લા પંચાયતો, સુધરાઇ તાલુકા પંચાયતોમાં મજબુત ઇરાદા સાથે મેદાનમાં આવશું.

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી સૌને ચોંકાવ્યા હતા કે કોંગ્રેસ પાર્ટી છોડવા પાછળનું કારણ પણ મેચ-ફીકસીંગ હતું. કોંગ્રેસને કાઢવા જનસંઘમાં લોહી રેડયુ હતું અને ભાજપને કાઢવા મજબુત બળ બનીને લોહી રેડશું.

(3:04 pm IST)