Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સાવધાન... કોરોનાના લક્ષણો દેખાય તો કફ સીરપ નહિ લેતા : ડોકટરની સલાહ તરત જ લઇ લેવી

શર્દી - ખાંસીની દવામાં રહેલા તત્વથી કોરોનાનો ખતરો વધે

નવી દિલ્હી તા. ૪ : જો તમારા શરીરમાં કોરોનાના લક્ષણો દેખાતા હોય તો કફ સિરપનો ઉપયોગ ન કરવો. હાલમાં જ એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, શરદી - ખાંસીની દવામાં ઉપયોગમાં લેવાતા ડેકસટ્રોમેથોરફાનથી કોરોના વાયરસનું જોખમ વધી શકે છે. રિસર્ચરો અનુસાર, આવી દવાઓ લેતા પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી.

વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમ એ જાણવામાં લાગી છે કે કોવિડ-૧૯ના ઇલાજમાં પહેલાથી બની ચુકેલ દવાનો ઉપયોગ કેવી રીતે થઇ શકે છે. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, ઉધરસને દબાવવામાં પ્રભાવી રસાયણ ડેકસટ્રોમેથોરફાનથી વાયરસની સંખ્યા વધી જાય છે.

રિસર્ચરોએ આ રસાયણવાળા કફ સિરપોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આ રિસર્ચ આફ્રીકન લીલા વાનરોની પ્રજાતિ પર કરાયું હતું જે દવાની પ્રતિક્રિયા બાબતે માનવો જેવા જ છે.

પેરિસ પાશ્ચર ઇન્સ્ટીટયૂટના ૨૨ વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યું કે ડેકસટ્રોમેથોરફાનનો ઉપયોગ શરદી - ખાંસીની દવા બનાવવામાં કરવામાં આવે છે જેથી ઉધરસના સંકેતોને મગજમાં જ સ્થિર કરી શકાય. તેનાથી દર્દીને ઉધરસમાં રાહત અનુભવાય છે.

નેચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર ડેકસટ્રોમેથોરફાનનો ઉપયોગ ઉધરસની દરેક દવાઓમાં થાય છે એટલે શકયતાઓ છે કે સંક્રમિત પણ ઉધરસ મટાડવા માટે આનો ઉપયોગ કરે જે ખતરનાક સાબિત થઇ શકે છે. કોરોનાના મુખ્ય લક્ષણોમાં ઉધરસ આવવી મુખ્ય છે. જો કોઇ વ્યકિત આ રસાયણવાળા સિરપનો ઉપયોગ કરે તો ઉધરસ દબાઇ જશે જેનાથી તેનામાં સંક્રમણની જાણ થવામાં મોડું થશે.

(11:25 am IST)