Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

આવતીકાલથી જન ધન મહિલા ખાતેદારોના બેન્કના ખાતામાં ૫૦૦ રૂ.નો ત્રીજો હપ્તો જમા કરવાનું શરૂ થશે

નવી દિલ્હી, તા. ૪ :. લોકડાઉન વચ્ચે ગરીબોને રાશન અને આર્થિક મદદ આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ આ મહિને પણ જનધન ખાતેદારોને મળશે. ૧.૭૦ લાખ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ હેઠળ ૪૨ કરોડ ગરીબોને ૫૩,૨૪૮ કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા મળી ચુકી છે. જે હેઠળ જનધનના મહિલા ખાતેદારોના ખાતામાં ૫૦૦ રૂ.નો જૂન મહિનાનો હપ્તો બેન્કોમાં મોકલવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં તેઓના ખાતામાં આ રકમ જમા કરાવી દેવાશે.

એપ્રિલમાં કેન્દ્રએ ૨૦.૦૫ કરોડ મહિલાઓના જનધન ખાતામાં ૫૦૦ - ૫૦૦ સ્વરૂપે ૧૦૦૨૯ કરોડ રૂપિયા મોકલ્યા છે તો મે મહિનામાં સરકારે ૧૦૩૧૫ કરોડ મહિલાઓના ખાતામાં ૨૦.૬૩ કરોડની રકમ જમા કરી છે. હવે સરકાર જૂનના હપ્તા સ્વરૂપે ૫૦૦ - ૫૦૦ રૂ. જમા કરી રહી છે.

માર્ચના અંતમાં નાણામંત્રી સિતારામને જનધનમાં ૩ મહિના સુધી મહિલાઓના ખાતામાં દર મહિને ૫૦૦ - ૫૦૦ રૂ. જમા થશે તેવુ જણાવ્યુ હતુ. આ રકમ ૧.૭૦ લાખ કરોડના પેકેજનો હિસ્સો હતો. આ સિવાય ગરીબોને વિનામૂલ્યે અનાજ, દાળ અને રાંધણ ગેસનો બાટલો પણ આપવામાં આવ્યો હતો.

(11:23 am IST)