Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લગ્નમાં યુગલે માસ્ક નહોતા પહેર્યા એટલે હાઈકોર્ટે ફટકાર્યો ૧૦,૦૦૦નો દંડ

દંડની રકમથી માસ્ક ખરીદીને જરૂરિયાતમંદોને આપવામાં આવશે

ચંડીગઢ, તા.૪: કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને લીધે જાહેર મેળાવડા અને લગ્ન સમારંભો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગ્ન સમારંભનું આયોજન કરવું હોય તો સરકારી ગાઈડલાઈન્સને અનુસરવી જરૂરી છે. અમુક માણસો કરતા વધુ માણસો ભેગા ન કરવા, સોશિયલ ડિસટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરવા વગેરે બાબતોનું પાલન કરવું આવશ્યક છે. પરંતુ ચંદીગઢના એક યુગલે આ નિયમોનો ભંગ કર્યો હતો અને લગ્નની વિધિ દરમ્યાન માસ્ક નહોતા પહેર્યા એટલે હાઈકોર્ટે તેમને ૧૦,૦૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે.

ગુરુદાસપુરના એક યુગલે પરિવારની મંજૂરી વિરૂદ્ઘ કર્ફ્યૂમાં લગ્ન કર્યાં હતા. યુગલને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. પરંતુ લગ્ન સમયે માસ્ક ન પહેરવાના કારણે તેમને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં હાઈકોર્ટમાં યુગલે અરજી દાખલ કરી હતી. યુગલે અરજીમાં કહ્યું હતું કે, અમે પુખ્ત થાય બાદ લગ્ન કર્યા છે પરંતુ અમારા બન્નેના પરિવાર લગ્નની વિરૂદ્ઘ છે. એટલે અમારા જીવને જોખમ છે. અમને સુરક્ષા આપો. આ અરજી પર નિર્દેશ જાહેર કરતા જસ્ટિસ હરિપાલ વર્માએ ગુરુદાસપુરના એસએસપીને નવવિવાહિત યુગલની સુરક્ષાની માંગ પર નિર્ણય લેવાનો આદેશ જાહેર કર્યો હતો. દરમ્યાન યુગલે કોર્ટમાં રજુ કરેલા ફોટોમાં જોયું કે તેમણે લગ્નમાં માસ્ક નહોતા પહેર્યા. એટલે મહામારીના સમયમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંધન કરવા બદલ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે દંડની રકમને હોશિયારપુરના ડેપ્યુટી કમિશનર પાસે ૧૫ દિવસમાં જમા કરાવવાનો આદેશ આપતાં કહ્યું હતું કે, દંડની રકમથી લોકો માટે માસ્ક ખરીદીને વહેંચવામાં આવે.

(10:28 am IST)