Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અમેરિકાના શહેરોમાં પોલીસ દમન સામે વિરોધ પ્રદર્શન જારી

અશ્વેતના મોતના મામલે વિરોધ અટકતો જ નથી : દેખાવકારોએ અશ્વેતોનું જીવન મહત્વપૂર્ણ, ન્યાય નહીં, શાંતિ નહીંના નારા લગાવ્યા : પ્રદર્શનોએ હિંસક રૂપ લીધું

વોશિંગ્ટન, તા. ૩  : અમેરિકાના મિનિયોપોલિસમાં આફ્રિકી-અમેરિકી જોર્જ ફ્લોયડનું પોલીસ અટકાયતમાં મોત થયું, ત્યારબાદ હવે ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા, શિકાગો અને વોશિંગ્ટન ડીસી સહિત અમેરિકાના કેટલાય મોટા શહેરોમાં દેશના લોકો મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એમાં કેટલાક શહેરોમાં પ્રદર્શનોએ હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. હ્યુસ્ટનના રહેવાસી ફ્લોયડનું મિનિયોપોલિસમાં ૨૫ મેના રોજ એ સમયે મોત થયું હતું, જ્યારે એક શ્વેત પોલીસ અધિકારએ તેનું ગળું લાંબા સમય સુધી પોતાના ઘુંટણથી દબાવી રાખ્યું હતું, ત્યારબાદ શ્વાસ લેવાની તકલીફ થતાં ફ્લોયડનું મોત થયું હતું. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં ભારે પ્રદર્શનો થઈ રહ્યાં છે. કેટલાક સ્થાનો પર શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં લૂંટફાટ લોકોએ કરી છે, સંપત્તિ તથા સ્મારકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને વાહનોને આગ લગાડવામાં આવી છે.

               એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં તાજેતરના દાયકાઓમાં આટલા મોટા પ્રમાણમાં અશાંતિ ફેલાઈ નથી. રાત્રિના સમયમાં કેટલાક પ્રદર્શનો હિંસક થઈ જવાના કારણે ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસી સહિત કેટલાક શહેરોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. દેખાવકારઓએ આ શહેરોમાં કેટલાય સ્થાનો પર કથિત રીતે કર્ફ્યૂનો ભંગ કર્યો છે. વોશિંગ્ટન ડીસીમાં સૈન્ય વાહનોને વ્હાઇટ હાઉસ નજીકના રોડ પર જોવા મળ્યા અને પાર્કમાં મોટી સંખ્યામાં આર્મી જવાનો ખડકી દેવાયા છે.ફ્લોયડના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો આ પાર્કમાં એકત્ર થયા હતા. પોલીસની બર્બરતાની વિરુદ્ધમાં હજારો લોકોએ ન્યૂયોર્કના રોડ પર કૂચ કાઢી હતી. મેનહટ્ટનના એક લોકપ્રિય ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિત ન્યૂયોર્કમાં કેટલાય સ્થાનો પર લોકોએ  લૂંટફાટ કરી હતી. સેન્ટ લુઇસમાં ચાર પોલીસ કર્મીઓ દેખાવકારોને કાબુ લેતી વખતે ઘાયલ થયા છે. લાસવેગસમાં પણ દેખાવકારોની ભીડને કાબુમાં લેવાની કોશિશમાં એક પોલીસ કર્મીને ગોળી વાગી છે. અમેરિકામાં કેટલાય સ્થાનો પર સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે.

                 મિનિયાપોલિસના ગવર્નરે સ્થાનિક પોલીસની નીતિઓ અને કાર્યપ્રણાલીને લઈને તપાસના આદેશ આપ્યા છે. ન્ચૂજર્સીના એટોર્ની જનરલ ગુરબીર ગ્રેવાલે જાહેરાત કરી કે રાજ્ય પોલીસ દ્વારા બળપ્રયોગ સંબંધિત ગાઈડલાઈન્સને અદ્યતન બનાવાશે, આ સુધારો છેલ્લા બે દાયકામાં પહેલીવાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે તમામ અધિકારીઓ માટે ફરજીયાત લાયસન્સ કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે. એક સ્થાનિક ન્યૂજપેપરે જણાવ્યું કે બોસ્ટનમાં હજારો પ્રદર્શનકારીઓ રોડ પર ઉતરી આવ્યા છે. 'બોસ્ટન ગ્લોબ' પોતાના રિપોર્ટમાં કહ્યું કે દેખાવકારોએ અશ્વેતોનું જીવન મહત્વપૂર્ણ છે અને ન્યાય નહીં, શાંતિ નહીં...ના નારા લગાવ્યા છે. 'લોસ એન્જિલિસ ટાઈમ્સ' જણાવ્યું કે શહેરમાં અસંખ્ય દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. સેનેટર કમલા હેરિસે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું કે, આપણે એ યાદ રાખવું જોઈએ લોકો પ્રદર્શન કેમ કરી રહ્યાં છે. એ અશ્વેત લોકોના જીવન માટે પ્રદર્શન કરી રહ્યા છે, તેનું મહત્વ છે.

(12:00 am IST)