Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

મુંબઇની આર્થર રોડ જેલની બેરેક નં.૧૨માં રખાશે માલ્યાને

કૌભાંડીને ગમે ત્યારે ભારત લવાશે

મુંબઇ, તા.૪: બેંકો સાથે ફ્રોડ કર્યા પછી દેશ છોડીને ભાગેલ બીઝનેસમેન વિજય માલ્યાને ભારત લાવી શકાય છે. તેના વિરૂધ્ધ મુંબઇમાં કેસ નોંધાયેલ છે. એટલે પુછપરછ પણ અહીં જ થશે. માલ્યા બાબતે મુંબઇમાં હિલચાલ તે જ થઇ ગઇ છે. જણાવાઇ રહ્યું છે કે તેને અહીં આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨માં રાખવાની તૈયારી છે. માલ્યાને બે માળની આર્થર રોડ જેલ પરિસરમાં અત્યંત સુરક્ષિત બેરેકમાં રાખવામાં આવશે. આ બાબતે જેલ પ્રસાસને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે.

 

માહિતી અનુસાર, રાત્રે જયારે માલ્યાનું વિમાન મુંબઇમાં લેન્ડ કરશે તો સૌ પહેલા ડોકટરોની એક ટીમ તેનું મેડીકલ ચેકઅપ કરશે. આ દરમ્યાન માલ્યાની સાથે સીબીઆઇ અને ઇડીના કેટલાક અધિકારીઓ પણ સાથે રહેશે. જો માલ્યા આજે દિવસ દરમ્યાન મુંબઇ આવશે તો એરપોર્ટથી સીધા તેને કોર્ટ લઇ જવાશે. કોર્ટમાં સીબીઆઇ અને ઇડી, બંને એજન્સીઓ તેની રીમાન્ડની માંગણી કરશે.

જણાવ્યા અનુસાર, બેરેક નંબર ૧૨માં વિજય માલ્યા માટે ગાદલું, તકીયો, ચાદર અને બ્લેન્કેટની વ્યવસ્થા હશે. એક મેટલ ફ્રેમ અથવા લાકડાનો બેડ આપવામાં આવશે. પ્રકાશ, હવા અને સામાન રાખવાની જગ્યાની સુવિધા અપાશે. ટોઇેટ, કપડા ધોવા, પીવાના પાણી અને મેડીકલ સુવિધા પણ મળશે.

આર્થર રોડ જેલમાં આ પહેલા પણ ઘણાં હાઇપ્રોફાઇલ કેદીઓને રખાઇ ચૂકયા છે. અંડરવર્લ્ડના ઘણા અપરાધીઓ છોટા રાજન, અબુ સાલેમ અને મુસ્તફા ડોસા પણ અહીં જ કેદ છે. ૨૬/૧૧ના મુંબઇ હુમલાના ગુનેગાર અને પાકિસ્તાની આતંકવાદી કસાબને પણ અહીં રાખવામાં આવ્યો હતો. પંજાબ નેશનલ બેંકને ૧૩૫૦૦ કરોડનો ચુનો લગાડનાર વિપુલ અંબાણી પણ આ જેલની હવા ખાઇ ચૂકયો છે.(૨૩.૯)

(11:07 am IST)