Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

નીતિશના સંદર્ભે ગિરીરાજના નિવેદનથી અમિત શાહ ખફા

આવા નિવેદનથી દૂર રહેવા ગિરીરાજસિંહને સૂચના : ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતાણ વધ્યાના સ્પષ્ટ સંકેતો

પટણા, તા. ૪ : જનતા દળ યુનાઇટેડની ઇફ્તાર પાર્ટી ઉપર પ્રહાર કરવાના મામલાને લઇને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી અમિત શાહે ગિરીરાજસિંહની જોરદાર ઝાટકણી કાઢી છે. અમિત શાહે ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરીને ગિરીરાજસિંહને ચેતવણી આપી છે કે, આ પ્રકારના નિવેદનબાજી યોગ્ય નથી. બીજી બાજુ જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગિરીરાજ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ગિરીરાજસિંહ તમામ નિવેદન એટલા માટે કરે છે કે ચર્ચામાં રહી શકે. જેડીયુના નેતાઓએ ગિરીરાજસિંહની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ મામલાને સંભાળવા માટે અમિત શાહે ગિરીરાજસિંહને ફોન કર્યો હતો અને તેમને ફટકાર લગાવી હતી. ટ્વિટ ઉપર નારાજગી વ્યક્ત કરતા અમિત શાહે ગિરીરાજસિંહને આવા નિવેદન ન કરવા કહ્યું છે. આ પહેલા વડાપ્રધાને પણ ભાજપ સંસદીય દળની બેઠકમાં સાંસદોને સલાહ આપી હતી કે, આડેધડ નિવેદનબાજી કરવામાં ન આવે. ગિરીરાજસિંહના નિવેદન બાદ જેડીયુમાં નારાજગી દેખાઈ રહી છે.  બીજી બાજુ એવી ચર્ચા પણ ભાજપ અને જેડીયુ વચ્ચે જોરદાર દેખાવ છતાં સંબંધ સારા દેખાઈ રહ્યા નથી. આરજેડીએ પણ સંકેતોમાં નીતિશને ફરી એકવાર મહાગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. નીતિશકુમારે હજુ સુધી કોઇ સાફ પ્રતિક્રિયા આપી નથી. સંબંધોમાં તિરાડની શરૂઆત એ વખતે થઇ હતી જ્યારે મોદી કેબિનેટમાં જેડીયુને માત્ર એક સીટની ઓફર કરાઈ હતી. ત્યારબાદ નીતિશકુમારે કેબિનેટનું વિસ્તરણ કરીને જેડીયુના આઠ નવા મંત્રી બનાવ્યા હતા. ભાજપને કોઇ સીટ આપી ન હતી. ત્યારબાદથી ખેંચતાણ ચાલી રહી છે. અલબત્ત નીતિશકુમાર અને સુશીલમોદીએ કહ્યું છે કે, ગઠબંધન કોઇપણપ્રકારના ખેંચતાણની સ્થિતિ નથી.

(9:37 pm IST)