Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઉશ્કેરણીજનક કૃત્ય થશે તો જડબાતોડ કાર્યવાહી કરાશે

ફ્લેગ મિટિંગમાં પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણીઃ સરહદ પર શાંતિ જાળવી રાખવા પાકિસ્તાની રેંજર્સ અને સરહદ સુરક્ષા દળ વચ્ચે સહમતિ થઇ : વિવિધ મુદ્દે ચર્ચા

નવીદિલ્હી, તા.૪: આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા ઉપર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને કરવામાં આવી રહેલા ગોળીબારના દોર વચ્ચે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેઠક યોજાઈ હતી. સરહદ સુરક્ષા દળ અને પાકિસ્તાની રેંજરોની આ બિનનિર્ધારિત બેઠક સાંજે યોજાઈ હતી. નિયમિત યુદ્ધવિરામના ભંગ અને ભારતીય ગામો ઉપર પાકિસ્તાનના તોપમારા વચ્ચે આ બેઠક યોજાઈ હતી. જે દરમિયાન બંને પક્ષો સરહદ ઉપર શાંતિ જાળવી રાખવા માટે સહમત થયા હતા. સુત્રોએ કહ્યું છે કે, પાકિસ્તાની રેંજરોને આ મિટિંગ યોજવાની ફરજ પડી છે. કારણ કે ભારતીય જવાનો તેમની ચોકીઓ અને અન્યત્ર વિસ્તારમાં જોરદાર જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. પાકિસ્તાનના ગોળીબારમાં જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક મોટી સંખ્યામાં ભારતીય લોકોને પણ અસર થઇ છે. બીએસએફના પ્રવક્તાએ નિવેદન જારી કરતા કહ્યું હતું કે, બીએસએફ-પાક રેંજર્સ સેક્ટર કમાન્ડર સ્તરની આ બેઠક આજે સાંજે ૫.૩૦ વાગે બોર્ડર આઉટપોસ્ટ ઓક્ટ્રોય ખાતે યોજાઈ હતી. આ બેઠક ખુબ જ સાનુકુળ માહોલમાં ચાલી હતી. આ બેઠકમાં સરહદ ઉપરશાંતિ જાળવી રાખવાના મુદ્દે મુખ્યરીતે ચર્ચા થઇ હતી. બંને પક્ષોના કમાન્ડરો દરેક સ્તરે વાતચીતને આગળ વધારવા માટે સહમત થયા હતા. સરહદી દળો વચ્ચે વિશ્વાસ વધારવાના મુદ્દા પર પણ ચર્ચા થઇ હતી. પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફના બે જવાનના મોત થયા બાદ આજે આ બેઠક યોજાઈ હતી. આ વર્ષે પાકિસ્તાની ગોળીબારમાં જમ્મુ કાશ્મીરમાં ૪૬ લોકોના મોત થઇ ચુક્યા છે. મૃત્યુ પામેલાઓમાં ૨૦ સુરક્ષા દળોના જવાનો પણ સામેલ છે. ગયા મહિનામાં આઈબી ઉપર રહેતા

હજારો લોકોને અન્યત્ર ખસી જવાની ફરજ પડી હતી. કારણ કે, પાકિસ્તાન તરફથી અવિરતપણે ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. ૨૯મી મેના દિવસે બંને દેશોના ડીજીએમઓની બેઠક પણ યોજાઈ હતી જેમાં યુદ્ધવિરામ સમજૂતીને અમલી કરવા ઉપર સહમતિ થઇ હતી. જો કે, પાકિસ્તાને યુદ્ધવિરામ ભંગની શરૂઆત કરીને ફરીવાર સ્થિતિ વિકટ બનાવી દીધી છે. કેન્દ્ર સરકારે આજે સરહદપારથી ગોળીબારમાં મૃત્યુ પામનાર દરેક પશુના નુકસાન બદલ ૫૦ હજાર વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, દૂધ આપતા પશુના મોતના કિસ્સામાં પણ વળતર ચુકવવામાં આવશે.  આજીવિકાને પણ નુકસાન થઇ રહ્યું છે.

(10:16 pm IST)