Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પેટ્રોલિયમ પેદાશને જીએસટીની હદમાં લાવવા ફરી માંગણી ઉઠી

પેટ્રોલ અને ડીઝલની કિંમતોને કેટલીકરીતે ઘટાડી શકાય છે : મોદી સરકાર એકબાજુ લાંબા ગાળે રાહતનો રસ્તો શોધવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે જીએસટી ઉપરાંત અન્ય રીતે ઘટાડો કરી શકાય : અહેવાલ

નવીદિલ્હી, તા. ૪ : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા છ દિવસમાં નજીવો ઘટાડો થયો છે પરંતુ હજુ પણ બંને પેટ્રોલિયમ પેદાશોની કિંમતો તેની સર્વોચ્ચ ઉંચી સપાટીએ છે. સરકાર તરફથી કેટલીક રાહતો આપવા પર વિચારણા ચાલી રહી છે. જીએસટી ઉપરાંત કેટલાક અન્ય તરીકાથી પણ લોકોને રાહત આપી શકાય છે. સરકાર લોંગટર્મમાં કોઇ સમાધાન શોધી કાઢવાના પ્રયાસ કરી રહી છે. લાંબા સમયથી ટ્રેડ એસોસિએશન તરફથી માંગ કરવામાં આવી રહી છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીની હદમાં લાવવામાં આવે પરંતુ સરકાર તરફથી હજુુ સુધી સત્તાવારરીતે આ દિશામાં કોઇ પહેલ કરવામાં આવી નથી. ગયા સપ્તાહમાં જ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીની હદમાં લાવવા માટેની મંજુરી આપી નથી. બીજી બાજુ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, કિંમતોમાં ઘટાડો કરવા માટે વૈકલ્પિક રસ્તા શોધી કાઢવા માટે કંપનીઓ સાથે વાતચીત થઇ રહી છે. પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં આશરે અડધો હિસ્સો ટેક્સનો રહેલો છે. જો આને જીએસટીની હદમાં લાવવામાં આવે તો ટેક્સના દર ૪૦ ટકા સુધી આવી શકે છે. તે વખતે પણ ૧૦ ટકાનો ઘટાડો ખુબ વધારે હોઈ શકે છે. અન્ય વિકલ્પની વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા બાદ તેલ કંપનીઓને ખુબ ફાયદો થયો છે. દેશમાં ૨૦ ટકા ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર કંપની ઓએનજીસીને ક્રૂડની કિંમતોમાં વધારાથી વિન્ડફોલ લાભ થયો છે. આવી સ્થિતિમાં કંપનીને ઓછામાં ઓછા દરે રિટેલરને તેલ વેચવા માટે રજૂઆત કરવી જોઇએ. આના બદલામાં સરકાર કંપની પાસેથી ઓછા લાભ મેળવવાનો વિકલ્પ આપી શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સૈદ્ધાંતિકરીતે ભારતીય કોમોડિટી એક્સચેંજમાં પેટ્રોલ અને ડીઝલના ફ્યુચર લોંચ કરવાને લઇને મંજુરી આપી દીધી છે. કોમોડિટી એક્સચેંજના એમડી સંજીત પ્રસાદે કહ્યું છે કે, અમને મંત્રાલય પાસેથી કોઇ વાંધો નહીં તેવા પ્રમાણપત્ર મળી ચુક્યા છે. જો કે, આના માટે હજુ સુધી સેબી તરફથી મંજુરી મળી શકી નથી. પ્રસાદે કહ્યું છે કે, જો સેબી તરફથી મંજુરી મળી જાય છે તો એક દિવસમાં જ પ્રોડક્ટને લોંચ કરવામાં આવી શકે છે. ઓપેક પશ્ચિમી દેશોના ખરીદદારોની સરખામણીમાં ભારત સહિત અન્ય દેશોને વધારે ઉંચી કિંમત પર ઓઇલનું વેચાણ કરે છે. આને એશિયન પ્રિમિયમ કહેવામાં આવે છે. સરકાર અન્ય દેશોને પોતાના પક્ષમાં લેવાના પ્રયાસ કરી શકે છે. આના કારણે કિંમતોમાં રાહત મળી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં માર્કેટ કરેક્શનનો મતલબ એ છે કે, પોતાની રીતે જ રાહત મળવી જોઇએ. તેલની કિંમતમાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે સરકારને માત્ર એક વર્ષ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૭ લાખ કરોડ રૂપિયાની ટેક્સની રકમ મળી છે.

(7:18 pm IST)