Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

૯૪ ટકા આઈટીમાં ભારતીય ગ્રેજ્યુએટ નોકરી લાયક નથી

ટેક મહિન્દ્રાના સીઈઓ દ્વારા દાવો કરવામાં આવ્યો : ૨૦૨૨ સુધી સાઇબર સિક્યુરીટીમાં ૬૦ લાખ લોકોની જરૂર રહેશે : કુશળ લોકોની શોધ ચાલી રહી છે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૪ : ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીનું કહેવું છે કે, ૯૪ ટકા આઈટી ગ્રેજ્યુએટ ભારતીય મોટી કંપનીઓમાં નોકરી કરવા માટે લાયક નથી. ગુરનાની ટેક મહિન્દ્રામાં આગામી સ્તરના વિકાસ માટેની આધારશીલા મુકી રહ્યા છે. ગુરનાની કહે છે કે, મેનપાવર સ્કીલિંગ અને આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ, બ્લોગચેઈન, સાઇબર સિક્યુરિટી, મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીમાં પ્રવેશ કરવાની બાબત ભારતીય આઈટી કંપનીઓ માટે પડકારરુપ છે. તેમને લાગે છે કે, આ તમામ બાબતોને જોતા જ્યારે નોકરીની વાત આવે છેત્યારે મોટી આઈટી કંપનીઓ ૯૪ ટકા આઈટી ગ્રેજ્યુએટોને આના માટે યોગ્ય ગણતી નથી. ગુરનાનીએ કહ્યું છે કે, દિલ્હી જેવા શહેરનો દાખલો જોવામાં આવે તો અહીં ૬૦ ટકા નંબર મેળવનાર વિદ્યાર્થી બીએ ઇંગ્લીશમાં પ્રવેશ મેળવી શકે નહીં પરંતુ તેઓ એન્જિનિયરિંગમાં ચોક્કસપણે પ્રવેશ મેળવી જાય છે. તેમનો મુદ્દો સરળ છે કે, અમે બેરોજગારી માટે લોકોને ઉભા કરી રહ્યા છે. ભારતીય આઈટી કંપનીઓ કુશળ લોકોની રાહ જોઈ રહી છે પરંતુ કુશળ લોકો મળી રહ્યા નથી. ગુરનાનીનું કહેવું છે કે, નાસ્કોમે પણ કહ્યું છે કે, ૨૦૨૨ સુધી સાઇબર સિક્યુરિટીમાં આશરે ૬ મિલિયન એટલે કે ૬૦ લાખ લોકોની જરૂર રહેશે પરંતુ અમારી પાસે સ્કીલનો અભાવ દેખાઈ રહ્યો છે. મુદ્દો એ છે કે, જો તેઓ રોબોટિક્સ વ્યક્તિની શોધમાં છે તો તેના બદલે મેનફ્રેમ વ્યક્તિ મળે છે તો વધારે સારી બાબત છે. ટેક મહિન્દ્રાના સીઈઓનું કહેવું છે કે, ટેક મહિન્દ્રામાં તેઓએ પાંચ એકર વિસ્તારમાં ટેક એન્ડ લર્નિંગ સેન્ટર બનાવ્યું છે. અન્ય કંપનીઓએ પણ કર્મચારીઓની સ્કીલ માટે આ પ્રકારની સુવિધા ઉભી કરી છે. સીખવા માટેની યોગ્યતા, સ્કીલ ડેવલપમેન્ટ અને બજાર માટે તૈયાર થવાનો ભાર ઇન્ડસ્ટ્રી ઉપર આવી રહ્યો છે. આ તમામ છતાં ટોપ ૧૦ આઈટી કંપની માત્ર છ ટકા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટને લે છે.

(7:17 pm IST)