Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બિહાર : બેઠકોની વહેંચણી મામલે એનડીએમાં દુવિધા

ભાજપ અને જેડીયુ દ્વારા દુવિધા દૂર કરવા પ્રયાસ : જેડીયુ દ્વારા ૨૫ સીટોની માંગ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા : દુવિધાને દૂર કરી લેવાશે : સુશીલ કુમાર મોદી

નવી દિલ્હી,તા. ૪ : વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. જુદા જુદા રાજ્યોમાં એકબાજુ ભાજપની સામે ગઠબંધન બનાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપે પોતાના ગઠબંધનમાં રહેલા સાથી પક્ષો સાથે ચિત્ર સ્પષ્ટ કર્યું નથી. એનડીએની દ્રષ્ટિથી બે રાજ્યોમાં મામલો અટવાઈ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. એકબાજુ મહારાષ્ટ્રમાં એનડીએના સાથી પક્ષ શિવસેનાએ બળવો કરવાની તૈયારી કરી છે. બીજી બાજુ બિહારમાં નીતિશકુમાર, રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહની સાથે બેઠકોની વહેંચણીને લઇને ફોર્મ્યુલા નક્કી કરી શકાય નથી. જેડીયુએ સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં એનડીએના નેતા નીતિશકુમાર રહેશે. પહેલાથી જ પાર્ટી ૨૫ સીટો ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરી છે. બીજી બાજુ સુશીલ મોદીએ કહ્યું છે કે, અમે મોદીના નામ ઉપર અને નીતિશકુમારના કામ ઉપર મત માંગીશું. કોણ કેટલી સીટ ઉપર લડશે તે બાબત મોડેથી નક્કી કરવામાં આવશે. દેશમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦  પેટાચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. પેટાચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યા બાદ બિહારમાં એનડીએના સાથી પક્ષો દ્વારા પણ રાજકીય દબાણ વધારવાની શરૂઆત કરી દીધી છે. નીતિશકુમાર આની પહેલ કરી ચુક્યા છે. હાલમાં જ નીતિશકુમારે નોટબંધી અને વિશેષ રાજ્યનો દરજ્જોનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી બાજુ રવિવારના દિવસે જેડીયુની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, નીતિશકુમાર બિહારમાં એનડીએના ચહેરા તરીકે રહેશે. બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ ચાલી રહી છે. આ મામલાને હવા જેડીયુ દ્વારા જ આપવામાં આવી છે. બેઠક બાદ જેડીયુના પ્રવક્તા અજય આલોકે કહ્યું છે કે, તેમની પાર્ટી ૨૫ સીટો ઉપર ચૂંટણી લડતી રહી છે જ્યારે ભાજપે ૧૫ સીટો ઉપર ચૂંટણી લડી છે. આજે આલોકના કહેવા મુજબ તેમની પાર્ટીમાં ભ્રમની કોઇ સ્થિતિ નથી. હવે અન્ય કેટલીક પાર્ટીઓ પણ અમારી સાથે છે જેથી તમામ મોટા નેતાઓ મળીને બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે. એનડીએ ગઠબંધનના ચહેરા તરીકે નીતિશકુમાર રહેશે. બીજી બાજુ સુશીલ મોદીનું કહેવું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે પરંતુ બિહારના નેતા નીતિશકુમાર છે જેથી બિહારમાં જે મત મળશે તે મોદીના નામ ઉપર અને નીતિશકુમારના કામ ઉપર મળશે. આમા કોઇ વિરોધાભાષની સ્થિતિ નથી. સુશીલ મોદી આ પ્રકારની વાત કરી રહ્યા છે પરંતુ જેડીયુના સુર અલગ દેખાઈ રહ્યા છે. બિહારમાં ૪૦ સીટો રહેલી છે. ૨૦૧૪માં નીતિશકુમાર એનડીએની સાથે ન હતા. એકલા હાથે મેદાનમાં ઉતર્યા હતા. એનડીએમાં તે વખતે ભાજપ, એલજેપી, આરએલએસપી હતા. ભાજપે ૨૯ સીટ ઉપર ચૂંટણી લડી હતી. જેમાં ૨૨માં તેને જીત મળી હતી. એલજેપીએ સાત ઉપર ચૂંટણી લડી હતી અને છમાં જીત મેળવી હતી. આરએલએસપીએ ચાર ઉપર ચૂંટણી લડી હતી અને ત્રણમાં જીત મેળવી હતી. એનડીએના ખાતામાં ૩૨ સીટો આવી હતી. નીતિશકુમારના જેડીયુને માત્ર બે સીટો મળી હતી. સ્થિતિ આ વખતે જુદી દેખાઈ રહી છે.

(7:17 pm IST)