Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ફેરારી કાર લેવાનો પ્લાન બનાવી રહ્યા હતાં અને મિત્રની ગાડીની ટેસ્ટ ડ્રાઇવ વખતે જ ભયાનક અકસ્‍માત સર્જાતા કોલકાતાના શિબાજી રોયનું મોત

કોલકાતાઃ કારમાં ગમે તેટલા સેફ્ટી ફિચર્સ હોય તો પણ ઓવર સ્પિડિંગ તમારો જીવ લઈ શકે છે. કંઈક આવું જ થયું છે કોલકાતાના એક અબજોપતિ બિઝનેસમેન સાથે, જે NH 6 પર 120ની સ્પીડે ફરારી ચલાવી રહ્યા હતા, અને તે વખતે એવો ભયાનક અકસ્માત થયો કે 3.13 કરોડની કારના ફુરચફુરચા ઉડી ગયા, અને કારમાં એરબેગ હોવા છતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

એમએલ રોય એન્ડ કંપની સેનિટાઈઝેશન પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર એવા 43 વર્ષના શિબાજી રોય પોતાના દોસ્તની 3.13 કરોડની ફરારી કેલિફોર્નિયા ટી ચલાવી રહ્યા હતા. તે જ વખતે આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતા તેઓ રાઈટ ટર્ન લેવા ગયા, પરંતુ કાર ભયાનક સ્પીડમાં હોવાથી તે ફ્લાયઓવરની રેલિંગ સાથે અથડાઈ ગઈ.

કારની ઝડપ ઘણી વધારે હોવાથી ફ્લાયઓવરની રેલિંગ એન્જિનને ચીરીને સીધી શિબાજીની છાતીમાં ઘૂસી ગઈ, અને એરબેગ ખૂલી ગઈ હોવા છતાંય તેમનો જીવ ન બચી શક્યો. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી શિબાજીને બહાર કાઢવા પણ ખૂબ જ મુશ્કેલ હતા. તેમને બહાર કાઢવાના પ્રયાસોમાં જ કલાક થઈ ગયો, અને તેમણે ત્યાંજ તડપી-તડપીને દમ તોડ્યો.

શિબાજી સાત ગાડીઓના કાફલા સાથે રવિવારે સવારે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા, અને એક ફેમસ જગ્યાએ કોફી પીધા બાદ દોસ્તો સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તેમને આમ પણ ગાડીઓનો ગાંડો શોખ હતો, અને તેમના હાથમાં ફરારી આવી હતી જેને તેઓ 120થી પણ વધુની સ્પીડે ભગાવી રહ્યા હતા.

અકસ્માતનો ભોગ બનનારી ફરારીમાં તેમના દોસ્તની 17 વર્ષની દીકરી આશના સુરાના અને અન્ય એક વ્યક્તિ પણ હતો, જેને ગંભીર ઈજાઓ થઈ છે. શિબાજીના 17 વર્ષના દીકરા શ્રેયાનનો આ અકસ્માતમાં બચાવ થયો છે. તે તેમની સાથે જ કારમાં બેઠો હતો, પરંતુ તેની આશનાને ફરારીમાં બેસવું હોવાથી શ્રેયાન બીજી કારમાં શિફ્ટ થઈ ગયો હતો.

આ ભયાનક એક્સિડન્ટ થયો તેના એક કલાક સુધી શિબાજી જીવતા હતા, અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. તેમના એક દોસ્ત પરવીન અગ્રવાલે જણાવ્યું કે, થોડો સમય પછી તે બોલ્યા હતા કે હવે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. કારના પાર્ટ્સને કાપવા માટે તે વખતે કોઈ ઓજાર ન હોવાના કારણે સ્થાનિકોની મદદથી પોલીસ અને શિબાજીના દોસ્તોએ કારને ખોલી, અને શિબાજીને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધી તેઓ મોતને ભેટ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, જે ટ્રકને લીધે આ અકસ્માત થયો હોવાનું કહેવાઈ રહ્યું છે તે ટ્રકનો નંબર પણ કોઈને યાદ નથી. ફરારીના માલિક સુરેશ તોલાનીના જણાવ્યા અનુસાર, શિબાજી પાસે જગુઆર એફ ટાઈપ કાર હતી, પરંતુ તેઓ ફરારી લેવાનો પ્લાન બનાવી રહ્યા હતા, અને તેઓ આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા હતા.

(6:13 pm IST)