Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સંકટ સમયે PM મોદીએ દેશને માર્ગ બતાવ્યો : યોગગુરૂ રામદેવ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યુઃ દિલ્હીમાં યોગગુરૂ રામદેવ સાથે મુલાકાત કરી ૪ વર્ષની હિસાબ સોંપ્યો

નવી દિલ્હી તા. ૪ : ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કરી દીધુ છે. પાર્ટીના સમર્થન માટે સંપર્ક અભિયાન અંતર્ગત અમિત શાહે આજે નવી દિલ્હીમાં યોગગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી પોતાની સરકારનો ચાર વર્ષનો હિસાબ સોંપ્યો. આ દરમિયાન બાબા રામદેવે મોદી સરકારના કાર્યકાળના વખાણ કર્યા.

રામદેવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં ભારતના સન્માનને સમગ્ર દુનિયામાં વધાર્યો છે. આજે ઉચ્ચ દેશના રાષ્ટ્રાધ્યક્ષ મોદી જીનું સન્માન કરે છે. સંકટના સમયે વડાપ્રધાન મોદીએ દેશને માર્ગ બતાવ્યો છે. અત્યાર સુધી સરકારે ૧૬ હજાર ગામો સુધી જનસુવિધાઓને પહોંચાડી છે.

આવનાર સમયમાં કેટલાક અન્ય હજાર ગામોમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે. મે પણ મારી માતાને ધૂમાડામાં જમવાનું બનાવતા જોઈ છે પરંતુ આજે સરકારની ઉજ્જવલા યોજના સાથે કરોડો પરિવારોને ફાયદો મળી રહ્યો છે.

અમિત શાહે કહ્યું જે લોકોએ ૨૦૧૪માં અમને સમર્થન આપ્યુ હતુ હવે અમે તે તમામને હિસાબ આપી રહ્યા છીએ. એકવાર ફરી અમે તેમને સમર્થન આપવાની વાત કરી રહ્યા છીએ. અમે એક લાખ લોકો સાથે સંપર્ક સાધીશુ. બાબા રામદેવે પોતાનું સમર્થન આપવાનું વચન આપ્યુ છે તેમના દ્વારા અમે કરોડો લોકો સુધી પહોંચીશુ.(૨૧.૨૫)

(4:14 pm IST)