Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પ્રથમવાર બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટફ્રેન્ટનો એક ધારાસભ્ય નહીં

બંગાળમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ બીજો મોટો પક્ષ હતો : ૨૦૧૧ની ચૂંટણી વખતે વામદળના લાંબા શાસનકાળનો અંત આવ્યો હતો ત્યારે પણ કોંગ્રેસ ૪૨ બેઠકો જીતી હતી

નવી દિલ્હી, તા. ૩ : બંગાળની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ૨૯૨માંથી ૨૧૩ બેઠકો પર જીતીને તૃણમૂલ કોંગ્રેસે સતત ત્રીજી વખત બંગાળની સત્તામાં કમબેક કર્યું છે. ટીએમસીએ હરીફ ભાજપની સરખામણીમાં આશરે ૧૦ ટકા જેટલા વધારે મત મેળવ્યા છે. ટીએમસીને આશરે ૪૮ અને ભાજપને આશરે ૩૮ ટકા મત મળ્યા હતા. આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારૂ પરિણામ એ રહ્યું કે, પાછલી ચૂંટણીમાં ૪૪ બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી કોંગ્રેસનું ખાતુ પણ નહોતું ખુલ્યું.

કોંગ્રેસને ૨.૯૩ ટકા જેટલા મત મળ્યા પણ એક પણ બેઠક ન મળી. આ જ સ્થિતિ લેફ્ટ ફ્રંટની પણ રહી હતી જે કોંગ્રેસ અને પીરજાદા અબ્બાસ સિદ્દિકીની પાર્ટી ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યું હતું. વામ મોરચા અને કોંગ્રેસનું ગઠબંધન શૂન્ય બેઠકો પર સમેટાઈ ગયું હતું. લાંબા સમય સુધી પ્રદેશની સત્તા પર કબજો જમાવનારા આ બંને પક્ષ સાથે આવ્યા પરંતુ બંગાળની જનતાએ તેમની અવગણના કરી દીધી.

બંગાળની જે ૨૯૨ બેઠકો પર મતગણતરી થઈ તેમાંથી ૨૧૩ બેઠકો પર ટીએમસીનો વિજય થયો હતો. ભાજપને ૭૭ બેઠકો પર વિજય મળ્યો હતો. રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટીનો એક અને એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચવામાં સફળ રહ્યો હતો પરંતુકોંગ્રેસ અને વામદળોનો એક પણ ઉમેદવાર ચૂંટણી ન જીતી શક્યો.

દેશની આઝાદી બાદ પહેલી વખત એવું બન્યું છે કે, જ્યારે બંગાળ વિધાનસભામાં કોંગ્રેસ અને લેફ્ટ ફ્રંટનો એક પણ ધારાસભ્ય નહીં હોય. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણી વખતે કોંગ્રેસે ૪૪ અને માકપાએ ૨૬ વિધાનસભા બેઠકો પર વિજય મેળવ્યો હતો. ૨૦૧૧ની ચૂંટણી વખતે જ્યારે વામ દળના લાંબા શાસનકાળનો અંત આવ્યો હતો ત્યારે પણ કોંગ્રેસ ૪૨ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

(12:00 am IST)