Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

આજે સાંજે યુપીના મજૂરો સાથે રાજકોટથી ટ્રેન રવાના

આજે સાંજે અથવા તો કાલે ૧૨૦૦ શ્રમિકોને લઇ ટ્રેન જશે : મામલતદાર કચેરી - પોલીસ સ્ટેશનમાં લીસ્ટો તૈયાર કરાય છે : એડી. કલેકટર પંડયા : મજૂરોને ફોર્મ ભરતા ભલે નથી આવડતુ અમે ઓપરેટરો બેસાડયા છે : મેડીકલ ચેકઅપ ફરજિયાત : બાદમાં રવાના કરાશે : મજૂરો સીવાયના લોકોને જવાનું હોય તો ડીજીટલ ગુજરાતમાં અરજી કરે : ૧૫૦૦ અરજી આવી : ગઇકાલે ૨૨ બસ મારફત ૪૫૦૦ લોકોને ગુજરાત બહાર રવાના કરાયા

રાજકોટ તા. ૪ : કલેકટર કચેરીમાં મજૂરોના ટોળા ઉમટયા બાદ તંત્ર વિમાસણમાં પડી ગયું છે, અને હવે ઓપરેશન મજૂર કામગીરી હાથમાં લીધી છે.

દરમિયાન એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, હાલ પ્રથમ ટ્રેન ૧૨૦૦ શ્રમીકોને લઇને માત્ર યુપી માટે આજે સાંજે અથવા તો કાલે રાજકોટથી યુપી તરફ રવાના થઇ જશે, મોટાભાગના મજૂરો યુપીના ઉન્નાવ અને ગાજીપૂર પંથકના છે.  તેમણે જણાવેલ કે, મજૂરોનું લીસ્ટ બનવા લાગ્યું છે, ત્રણેય મામલતદાર કચેરી થોરાળા, ભકિતનગર, વાવડી વિગેરે પોલીસ સ્ટેશનમાં પણ લીસ્ટ બની રહ્યું છે, હાલ ૧૨૯૬નું લીસ્ટ તૈયાર છે, એક ટ્રેન રવાના થયા બાદ તબક્કાવાર ટ્રેન ફાળવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, મજૂરોના કોઇપણ ગ્રુપ લીડર નામ - મોબાઇલ નંબર સાથે આવે, ફોર્મ અંગ્રેજીમાં હોય અમે મદદ કરી રહ્યા છીએ, આ માટે ઓપરેટરો બેસાડાયા છે.

રાજસ્થાન મધ્યપ્રદેશ અંગે તેમણે જણાવેલ કે, બસ મારફત પણ સગવડ થઇ રહી છે. ગઇકાલે ૨૨ બસ મારફત ગોંડલ - કોટડાસાંગાણી, જેતપુર, પડધરી, રાજકોટ તાલુકામાંથી ૪૫૦૦ લોકોને રવાના કરાયા છે, મજૂરો ન હોય અને ગુજરાત બહાર જવાનું હોય તેમણે ડીજીટલ ગુજરાતમાં અરજી કરવાની, આવી ૧૫૦૦ અરજીઓ આવી છે, જે ધડાધડ મંજૂર કરાઇ રહી છે, અને દરેક માટે મેડીકલ ચેકઅપ, ડોકટરનું સર્ટીફિકેટ ફરજીયાત છે.

(4:29 pm IST)