Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જિલ્લાનો 'રંગ' નક્કી કરવામાં એકથી વધુ માપદંડઃ અઠવાડિક સમીક્ષા

રેડ, ઓરેંજ કે ગ્રીન ઝોનનો નિર્ણય વ્યકિતગત કોઇના પ્રભાવ કે અભાવ આધારિત નહિઃ કેસની સંખ્યા ઉપરાંત કેસને લગતી ઘટના , કેસ બમણા થવાનો દર, સર્વેલન્સનો પ્રતિસાદ, પરીક્ષણની સંખ્યા વગેરે બાબતો ધ્યાને લેવાય છેઃ કેન્દ્રએ જિલ્લાઓનુ 'ડાઇનેમિક લિસ્ટ' (પરિવર્તનશિલ યાદી) જાહેર કર્યુ છે : સમયાંતરે રાજ્યોના અહેવાલના આધારે સમય-સંજોગો ફરતા ઝોન ફેરફાર થઇ શકે છે : રાજ્ય સરકારને કોઇપણ જિલ્લો વધુ ગંભીર ઝોનમાં મૂકવાની છુટ ૫ણ વધુ હળવા ઝોનમાં મૂકવાની સત્તા નહિઃ ઉદાહરણ તરીકે ઓરેંજ જિલ્લામાં સ્થિતી બગડે તો રાજ્ય સરકાર તેને રેડ ઝોનમાં મૂકી શકે, સ્થિતી સુધરે તો ઓરેંજ ઝોનવાળાને ગ્રીન ઝોનમાં મૂકવાનો અહેવાલ આપી શકે પણ પોતાની રીતે મૂકી શકે નહિ

રાજકોટ તા.૪:  ભારત સરકારે કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે જિલ્લાઓને રેડ, ઓરેંજ અને ગ્રીન તેમ ત્રણ ઝોનમાં વહેચેલ છે. સામાન્ય રીતે કેસની સંખ્યાના આધારે  જિલ્લાનો  રંગ નક્કી થાય તેવી ઘણા લોકોની માન્યતા છે. ભાવનગરના પ્રમાણમાં કોરોનાના વધુ દર્દીઓ ધરાવતા  રાજકોટ જિલ્લાનો  ઓરેંજ ઝોનમાં સમાવેશ થયો અને ભાવનગરનો રેડ ઝોનમાં સમાવેશ  થયો. આવા કેટલાક ઉદાહરણોથી લોકોમાં  સ્વભાવિક આશ્ચર્ય ફેલાયુ છે. હકિકતે જિલ્લાનો  રંગ (ઝોન) નક્કી કરવામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઉપરાંતની બાબતો પણ ભાગ ભજવે છે. કોઇ ઝોન નક્કી કરવામાં વ્યકિતગત  કોઇનો પ્રભાવ કે અભાવ અસરકર્તા નથી. ભારત સરકારના   આરોગ્ય વિભાગના સચિવ પ્રીતિ સૂદનના તા. ૩૦ એપ્રિલના રાજ્યો માટેના પત્રમાં ઝોન નક્કી કરવા અંગેના માપદંડની ઝલક જોવા મળે છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મૂજબ જે તે જિલ્લામાં કેસની સંખ્યા , પરિક્ષણની ( સેમ્પલ)ની સંખ્યા અને  તેનું પરિણામ, સર્વેલન્સ એટલે કે સરકારે  દેખરેખ માટે કરેલી વ્યવસ્થાનો પ્રતિસાદ,  કેસ બમણા થવાનો સમયગાળો, અસરગ્રસ્ત વિસ્તારની  ભૌગોલિક સ્થિતી વગેરે બાબતો ધ્યાને લેવામાં આવે છે. કેન્દ્રએ હાલ દેશમાં રેડ ઝોનમાં ૧૩૦, ઓરેંજ ઝોનમાં ૨૮૪ અને ગ્રીન ઝોનમાં ૩૧૯ જિલ્લાઓ મૂકયા છે. જેમાં ગુજરાતના પ જિલ્લા  રેડ ઝોન , ૯ જિલ્લા ઓરેંજ ઝોન અને ૧૯ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં આવે છે. ઝોન આધારિત છૂટછાટ આપવાની સત્તા રાજ્ય સરકારને છે. જેમાં કેન્દ્રની ગાઇડ લાઇનની મર્યાદામાં રહેવુ પડે છે.કેન્દ્રે રંગ પ્રમાણે નક્કી કરેલી યાદી આખરી નહિ પરંતુ પરિવર્તનશીલ છે.  કોરોનાની દ્રષ્ટિએ સમય સંજોગો બદલાતા  રાજ્ય સરકારના અહેવાલના આધારે તેમાં ફેરફાર સંભવ છે. દર અઠવાડીયે સમીક્ષા કરવામાં આવે છે. અત્યારે જે જિલ્લાઓ જે ઝોનમાં હોય તેમાં ભવિષ્યમાં હળવા કે  ભારે ઝોનમાં સ્થાન પામવાની સંભાવના રહેલી છે.

(12:56 pm IST)