Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

નોએડામાં બહાર નિકળતા લોકો માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત :નહીંતર દંડથી લઇને જેલ સુધીની સજા થશે

લોકડાઉનની સાથે 144ની કલમને પણ બે અઠવાડિયા વધારી દીધી

નવી દિલ્હી : દેશમાં. લોકડાઉનના આ ત્રીજા તબક્કામાં થોડી ઘણી છુટછાટ આપવામાં આવી છે, તો કેટલાક નિયમો વધારે કડક પણ બનાવ્યા છે. કોરોના વાયરસના દર્દીઓને ટ્રેક કરવા અને તેમના સંપર્કમાં આવવાથી લોકો બચી શકે તે માટે સરકારે આરોગ્ય સેતુ એપ બનાવી છે. સરકાર સતત લોકોને આ એપ સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કરવાની અપીલ કરી રહી છે. તો બીજી બાજુ વર્તમાન સમયે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. આ બધા વચ્ચે દિલ્હી એનસીઆર નજીક આવેલા ઉત્તર પ્રદેશના નોએડામાં પ્રશાસને આરોગ્ય સેતુ એપ ફરજિયાત બનાવી છે.

રવિવારે સાંજના સમયે એડિશનલ ડીસીપીએ જાહેરનામુ બહાર પાડીને આ સુચના આપી છે. જેમાં જણાવ્યું છે કે લોકડાઉનમાં બહાર નિકળનાર વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. જો કોઇ વ્યક્તિ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કર્યા વગર જ બહાર નિકળશે, તો તેને લોકડાઉનનું ઉલ્લંઘન ગણવામાં આવશે. તેની સામે ગુન્હો પણ નોંધવામાં આવશે. નિર્દેશમાં લખેલું છે કે જે વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય અને તેમાં આરોગ્ય સેતુ એપ વગર તે બહાર આવશે, તો દંડથી લઇને જેલ સુધીની સજા કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે પણ જણાવ્યું છે કે કોરોના કંટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોએ આ એપનો ઉપયોગ કરવો જરુરી છે. આ સિવાય સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમના માટે પણ આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરવામાં આવી છે. નોએડા સહિત સમગ્ર ગૌતમબુદ્ધનગર જિલ્લામાં પ્રશાસને લોકડાઉનની સાથે 144ની કલમને પણ બે અઠવાડિયા વધારી દીધી છે.

(12:14 pm IST)