Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સૌરાષ્ટ્રના ઓરેન્જ-ગ્રીન ઝોનમાં વેપાર-ધંધાનો પ્રારંભ

રેડ ઝોન ભાવનગરમાં લોકડાઉન-૩ નો કડક અમલઃ જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, બોટાદ, પોરબંદર જીલ્લા જનજીવન ધબકયું: ૪૦ દિવસ બાદ અર્થતંત્રની ગાડી પાટે ચડીઃ લોકડાઉનનાં નિયમોનું કડક પાલન કરવા આદેશ

રાજકોટ તા. ૪: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી લોકડાઉન-૩નાં અમલનો પ્રારંભ થયો છે માત્ર ભાવનગર જીલ્લામાં રેડઝોન હોવાથી કડક અમલ થઇ રહ્યો છે.

જયારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવતા રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દેવભુમી દ્વારકા, પોરબંદર, કચ્છ સહિતના જીલ્લાઓ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવતા તેમાં પણ થોડી-ઘણી છૂટછાટો સાથે લોકડાઉન ૩નો અમલ થઇ રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

રાજયના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

રાજયની ૬ નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ ૬ નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી.

રાજયના જુનાગઢ અને જામનગર મહાનગર અને ૧પ૬ નગરપાલિકાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતના નિયમો સાથે ઉદ્યોગો શરૂ કરવાની છુટ આપવામાં આવી છે.

સમગ્ર રાજયમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગારેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહિં.

સમગ્ર રાજયમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી દરેક નાગરિકોએ ઘરની બહાર નીકળી શકાશે નહીં.

મુસ્લિમ ભાઇ-બહેનો રમજાન માસની ઉજવણીમાં ઇબાદત અને બંદગી ઘરમાં જ રહીને કરે.

ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજયમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે.

ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે.

ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેકસી સેવાઓ ડ્રાયવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે.

ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરૂ થઇ શકશે.

અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે.

ભાવનગર

ભાવનગરઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે અમલમાં મુકવામાં આવેલ લોકડાઉનનો બીજો તબકકો આજે પૂર્ણ થયો છે. આજથી ૧૪ દિવસ માટેના ત્રીજા તબકકાના લોકડાઉનની અમલવારી શરૂ થઇ જશે. ભાવનગર જિલ્લાનો કોરોના પ્રભાવિત રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હોય, ભાવનગર શહેર અને જિલ્લામાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી.

ભાવનગર જિલ્લામાં આજથી ૧૭મી મે સુધી આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ, દુકાનો અત્યારની માફક બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક સેવા માટે ઇસ્યુ કરવામાં આવેલ પાસ ૧૭મી સુધી માન્ય રહેશે. આ પાસ રીન્યુ કરવાની જરૂર ન હોવાનું તંત્રએ જણાવ્યું છે. ત્રીજા તબકકાના લોકડાઉનના અમલીકરણ માટે આજે જાહેર નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લામાં જાહેરનામાની જોગવાઇઓનો ચુસ્ત અમલ કરવામાં આવનાર છે.

જામનગર

જામનગરઃ આખરે જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવશે થતા આજથી મોટા ભાગના ધંધા વ્યવસાય ધમધમતા થયા છે. જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને દુકાનો અને ઓફિસો ખોલવાની મંજુરી આપી છે. સવારના ૭ વાગ્યાથી લઇને સાંજના ૭ વાગ્યા સુધી જામનગરમાં દુકાનો ખોલી શકાશે.

અગાઉ જામનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો હતો. પરંતુ હવે ગ્રીન ઝોનમાં સમાવેશ થતા લોકડાઉન ૩.૦ માં લોકોને વધુ રાહત મળી છે. જીવન જરૂરિયાતના વેપારને સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજુરી મળી છે. અન્ય દુકાનો અને ઓફિસો પણ સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. જોકે સાંજના ૭ વાગ્યાથી લઇને સવારના ૭ વાગ્યા સુધી બિનજરૂરી અવરજવર પર રોક લગાવવામાં આવી છે. બસ અને રિક્ષાઓ પ૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે યાની કીટલીઓ અને પાનના ગલ્લા જો કે બંધ રહેશે. ઠંડા પીણાં, મીઠાઇ, ફરસાણ અને ફાસ્ટફુડની દુકાનો પણ બંધ રહેશે.

જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા ઉદ્યોગોને લીલીઝંડી મળી ગઇ છે. જામનગરમાં પ હજારથી પણ વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે. જામનગર લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં એશિયાનું હબ ગણાય છે. ૩પ હજારથી પણ વધુ પરપ્રાંતી મજૂરોને આ ઉદ્યોગો શરૂ થતા રોજીરોટી મળશે. ઉદ્યોગો શરૂ થતા પરપ્રાંતીય મજૂરોનું સ્થળાંતર અટકે તેવી શકયતા છે. ગુજરાતમાં માત્ર બેજ મહાનગરોમાં ઉદ્યોગો શરૂ થશે. જેમાં એક જામનગર અને બીજુ જુનાગઢ છે.

ગીર સોમનાથ

વેરાવળઃ લોકડાઉનની અવધિ સરકાર દ્વારા વધારવામાં આવી છે. તા. ૪ મે થી તા. ૧૭ મે સુધી ત્રીજા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશ દ્વારા કરેલા જાહેરનામા ત્રીજા લોકડાઉન સુધી અમલમાં રહેશે. ત્રીજા તબકકાના લોકડાઉનમાં લગ્ન માટે ર૦ વ્યકિતઓની મંજુરી શરતોને આધીન ઇન્સીડન્ટ કમાન્ડર દ્વારા મળી શકશે. અગાઉના જાહેરનામામાં છૂટ અપાયેલ આવશ્યક ચીજવસ્તુઓની દુકાન સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી ખુલી રાખી શકાશે અને મેડીકલ, દુધ પાર્લર, દવાની દુકાનો વધુ સમય માટે ખુલ્લી રાખી શકાશે.

જુનાગઢ

જુનાગઢઃ લોકડાઉનનાં ૪૦ દિવસ બાદ આજે સવારથી સોરઠનાં અર્થતંત્રની ગાડી પાટા પર ચડી ગઇ છે.

લોકડાઉનનો ત્રીજો તબકકો રવિવારથી શરૂ થઇ ગયો છે. પરંતુ આકરી શરતો સાથે સરકારે લોકડાઉનમાં મોટી રાહત આપી છે.

જુનાગઢ જિલ્લો આજ સુધી કોરોના મુકત છે. એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આથી ગ્રીન ઝોનમાં રહેલા જુનાગઢ જિલ્લામાં લોકડાઉનનાં ત્રીજા તબકકામાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે.

જુનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ રાત્રે જાહેરનામું પ્રસિધ્ધ કરીને વધુ રાહત આપી છે. જે મુજબ સવારે ૮ થી ૧ર સુધી અનાજ કરિયાણાની દુકાનો, ફળ-શાકભાજીના વિક્રેતાઓ, ઇંડા, માંસ-મટન માછલી, મીઠાઇ, ફરસાણની દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી છે.

જયારે રહેણાંક વિસ્તારમાં દિવસ દરમ્યાન શાકભાજી, ફળની લારીઓ અને દુધના ફેરીયાઓને વેંચાણ માટે છુટ આપી છે.

જુનાગઢ જિલ્લામાં લગ્ન પ્રસંગને મંજુરી આપવામાં આવી છે. પરંતુ તેમાં પ૦થી વધુ લોકો જોડાય નહિં શકે. તેમજ જિલ્લા બહાર અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

બપોરે ૧ર થી ૬ દરમ્યાન હેર પાર્લર, ગેરેજ, ચાની લારીઓ, ઓટો પાર્ટની દુકાન, કાપડ-દરજી, ઇલેકટ્રીશ્યન, કટલેરી, હાર્ડવેર, ઇલેકટ્રોનિકસની દુકાનો, સોની, આઇસ્ક્રીમ, મોબાઇલ, પંચરની દુકાનો, વાસણ ઠંડાપીણાની દુકાનો, ઝેરો, પ્રેસ પ્રિન્ટીંગ, સ્ટુડીયો, સ્ટેશનરી બુટ-ચંપલની દુકાનો મોચી, મશીનરી, હાર્ડવેર, સ્પોર્ટસનાં સાધનો ઘડિયાલ, ગીફટ અને આર્ટીકલની દુકાનોએ ખોલવાની છુટ આપવામાં આવી છે.

જોકે, પાન-બીડીની દુકાનો, ઓડીટોરીયમ ટાઉન હોલ, ધાર્મિક સ્થળો, મેરેજ હોલ, સિનેમા જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ભવનાથ વિસ્તાર, વિલીંગ્ટન ડેમ, સકકરબાગ ઝુ, ઉપરકોટ, લીકર શોપ, ટયુ઼શન કલાસ ધાર્મિક મેળવાડા, સમુહ લગ્ન, લોકમેળા, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, ડાન્સ કલાસીસ, હોટેલ, રેસ્ટોરન્ટમાં ડાઇનીંગ સુવિધા વગેરે બંધ રહેશે.

તેમજ ૬પ વર્ષની ઉપરની વ્યકિતને ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ઉપરાંત સાંજે ૭ થી સવારનાં સુધી જરૂર સિવાય કોઇ વ્યકિત ઘર બહાર નીકળી શકશે નહિં.

દરમ્યાનમાં લોકડાઉન-૩ માં કેટલીક છુટછાટને પગલ.ે એસ.ટી. બસ દોડાવવા માટે નિગમ સજજ થઇ ગયું છે. પરંતુ હજુ આજથી એસ.ટી. સેવા શરૂ થઇ નથી.

જુનાગઢ એસ.ટી. વિભાગીય નિયામક જી.ઓ. આજે અકિલા સાથની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, સેન્ટ્રલ ઓફિસ (અમદાવાદ) ખાતેથી હજુ કોઇ સુધી કોઇ સુચના આપવામાં આવી ન હોવાથી એસટી. બસ સેવા શરૂ કરાઇ નથી. પરંતુ સુચના મળ્યેથી ગાઇડ લાઇન મુજબ એસ.ટી. બસ સેવા શરૂ કરાશે.

અમરેલી

અમરેલીઃ અમરેલીમાં કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને જીલ્લામાં લોકડાઉન ૩ નો અમલ કરીને વેપાર-ધંધાને છુટછાટ આપી છે.

(11:29 am IST)