Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના વાયરસ : ભારતમાં તમામ એકટીવ કેસમાંથી ૨૫ ટકા માત્ર ૩ દિવસમાં જ નોંધાયા

નવી દિલ્હી,તા.૪:  દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૪૦૦૦૦દ્ગચ પાર થઈ ગઈ છે. રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. જેમાં દિલ્હીમાં ૪૨૭ કેસ, ગુજરાતમાં ૩૭૪, પંજાબમાં ૩૩૦ કેસ, તામિલનાડુમાં ૨૬૬ કેસ, હરિયાણામાં ૬૬ અને જમ્મુ-કાશ્મીરમાં એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ નોંધાયો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા ૩ દિવસમાં ભારતમાં ૨૫ ટકા નવા કેસ જોવા મળ્યા છે. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ૪૦ હજારથી વધુ થઈ ગઈ છે. તેમાંથી ૧૩૦૬ લોકો મોત થયા છે અને ૧૦૮૮૭ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. તેમજ ૨૯ હજારથી વધુ દર્દીઓ હજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડ હેઠળ સારવાર લઈ રહ્યાં છે. ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોવિડ-૧૯ના ૭૫૬૪ કેસ નોંધાયા છે. જે દેશમાં કુલ સક્રિય કેસો (૨૯૬૨૪)નો ચોથો હિસ્સો એટલે કે ૨૫ ટકા છે. લોકડાઉનના બીજા ફેઝમાં દેશના ઘણા વિસ્તારોમાં પ્રતિબંધ હળવો કરતા કોરોનાના કેસોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે જે સરકાર માટે ચિંતાજનક છે.

રવિવારે દેશમાં એક દિવસમાં ૨૬૬૭ કેસ અને શનિવારે રેકોર્ડબ્રેક ૨૫૬૪ કેસ નોંધાયા હતા. જયારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા ૬૭૮ કેસ સામે આવ્યા છે. શુક્રવાર (૧૦૦૮) અને શનિવાર (૭૯૦)ની સરખામણીએ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

૩૧ માર્ચ સુધીમાં દેશમાં કોરોના વાયરસના ૪૭૮૫૨ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયારે ૩૦ એપ્રિલ સુધીમાં ૯ લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને ૧ મેથી શનિવારની સાંજ સુધીમાં કુલ ૧ લાખ ૩૭ હજાર ૩૪૬ તપાસ હાથ ધરી છે. આરટી-પીસીઆર પરીક્ષણ સુવિધા હવે દેશભરની ૨૯૨ સરકારી અને ૯૭ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. 

(11:22 am IST)