Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મજુરોની 'ઘરવાપસી'થી ઉદ્યોગો હેરાન-પરેશાનઃ ફેકટરી ખુલી પણ કામદારો કયાં? કામકાજને અસર

મનરેગ-ખેતીમાં કામ મળવાથી પરત લાવવાનું પણ અઘરૂ

નવી દિલ્હી તા. ૪ :.. કેન્દ્ર સરકાર તરફથી ઘરે પાછા જવાની મંજૂરી મળ્યા પછી એક તરફ પ્રવાસી મજૂરો ખુશખુશાલ છે તો બીજી બાજુ ઘણાં રાજયોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પછી ખુલવાની તૈયારી કરી રહેલા ઉદ્યોગોના માથા પર ચીંતાની રેખાઓ દેખાઇ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકડાઉનમાં કામ ઠપ થઇ જવાથી ઉદ્યોગ જગત પહેલાથી જ ચિંતામાં છે હવે જો ફેકટરીઓ માટે મજૂરો નહી મળે તો તેની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે.

પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ ડી. કે. અગ્રવાલે કહયું કે એક મજૂર જો ગામડે ચાલ્યો ગયો તો તેને પાછો લાવવો બહુ અઘરો પડશે. ગામડામાં જ મનરેગા અને ખેતીવાડીમાં રોજગાર મળવાના કારણે મજૂરો ભાગ્યે જ પાછા ફરશે. જો પાછા આવશે તો પણ વધુ મજૂરીની માગણી કરશે. તો ઘણાં દિવસોથી બંધ પડેલા ઉદ્યોગો પણ વધારે મજૂરી આપવાની સ્થિતિમાં નહીં હોય એટલે મજૂરોનું પલાયન અંદાજ કરતા વધારે પડકાર રૂપ બનવાનું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્રએ રાજય સરકારો સાથે મળીને મજૂરોનું પલાયન રોકવું જોઇએ. ઉદ્યોગ જગત આ દિશામાં શકય એટલી મદદ કરવા તૈયાર છે.

લાંબા સમયથી વેચાણમાં ઘટાડો અને નાણાની અછતનો સામનો કરી રહેલ રિયલ એસ્ટેટ સેકટર માટે મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. રિયલ એસ્ટેટ એક શ્રમ પ્રધાન ઉદ્યોગ છે અને જે રીતે મજૂરો ઘરે પલાયન થઇ રહ્યા છે. તેમાં અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આગામી દિવસોમાં શું થશે ?

(11:17 am IST)