Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

આગામી દિવસોમાં એલપીજી પર નહીં મળે સબસીડી

ભાવ ઘટી જતા સરકારને ફાયદો

નવી દિલ્હી તા. ૪ :.. વૈશ્વિક સ્તરે ક્રુડની  કિંમતોમાં ભારે ઘટાડાનો લાભ ભલે ગ્રાહકોને ન મળ્યો પણ સરકારને તો મળ્યો જ છે. ક્રુડના ભાવોમાં ઘટાડાએ સરકારને લાભાર્થીઓના ખાતામાં ઘરેલુ રસોઇ ગેસ સીલીન્ડર પર સબસીડી આપતા બચાવી છે. મે મહિનાથી સરકાર ડાયરેકટર ટ્રાન્સફર બેનીફીટ યોજના હેઠળ બધા મહાનગરોમાં ઘરેલુ રાંધણ ગેસ ગ્રાહકોના ખાતામાં સબસીડી નહીં ચુકવે, સબસીડી ફકત પરિવહનના વધેલ ભાવો વાળા અન્ય શહેરોમાં ર-પ રૂપિયા સુધી જ સીમિત રહેશે અને ૮ કરોડ ઉજ્જવલા લાભાર્થીઓને લગભગ ર૦ રૂપિયા સીલીન્ડર દીઠ મળશે.

બધા ગ્રાહકોએ ૧૪.ર કિલોના સીલીન્ડરનું પેમેન્ટ બજાર ભાવ પ્રમાણે જ કરવાનું રહેશે. બજાર અને રસોઇ ગેસના છૂટછાટ વાળા ભાવ વચ્ચેનું અંતર સરકાર સબસીડી તરીકે ચૂકવે છે. માર્ચ મહિનાથી ક્રુડની કિંમતોમાં ઘટાડા સાથે એલપીજીના ભાવો પણ ઘટાડો થયો છે. ત્યાર પછી સબસીડી વગરના ઘરેલુ એલપીજી સીલીન્ડર ના ભાવોમાં ૧૬ર.પ૦ રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે. પહેલી મે થી ઓઇલ કંપનીઓએ દિલ્હીમાં ઘરેલુ સીલીન્ડરમાં ૧૬ર.પ૦ નો ઘટાડો કરતા હવે તે પ૮૧.પ૦ માં મળતો થઇ ગયો છે.

દેશની એક મોટી સાર્વજનીક ક્ષેત્રની ઓઇલ કંપનીના એક અધિકારીએ કહયું કે રાંધણ ગેસના હાલના બજાર ભાવ પર સરકારે કોઇ પ્રકારની સબસીડી આપવાની જરૂર નથી. ઉજ્જવલા ગ્રાહકો માટે ફકત થોડી સબસીડી આપવાની જરૂર પડી શકે છે. એલપીજી ઉપરાંત સરકાર આ વર્ષે કેરોસીન પર અપાતી સબસીડીને પુર્ણપણે ખતમ કરી શકે છે. 

(11:14 am IST)