Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાની રસી વર્ષના અંત સુધીમાં બની જવાની ટ્રમ્પને આશા

વોશિંગ્ટન, તા.૪: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની પાસે આ વર્ષના અંતમાં કોરોના વાઇરસની રસી આવી જશે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે અમને પૂરો વિશ્વાસ છે કે અમારી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસની વેકિસન તૈયાર થઈ જશે. ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે તેઓ સપ્ટેમ્બરથી સ્કૂલ અને યુનિવર્સિટી ખોલવાનો આગ્રહ કરશે. તેઓ ઇચ્છે છે કે બાળકો સ્કૂલ-યુનિવર્સિટીમાં જાય.

કોરોના વાઇરસની વેકિસન બનાવવામાં કેટલાય દેશો વ્યસ્ત છે. અનેક દેશોમાં વેકિસનની અજમાયશો પણ થઈ ચૂકી છે. અમેરિકા પણ વેકિસનની ટ્રાયલ કરી ચૂકયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોઈ અન્ય દેશ કોરોનાની વેકિસન તૈયાર કરી લેશે તો તેઓ ખુશ થશે. તેમણે કહ્યું છે કે વેકિસન કયો દેશ બનાવે એની મને કોઈ ચિંતા નથી, કોઈ અન્ય દેશ બનાવે તો એની સામે મને કોઈ વાંધો નથી. મારે તો બસ વેકિસન જોઈએ છે, જે આ વાઇરસ સામે અસર કરે.

(10:12 am IST)