Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભારતમાં હવે આફ્રિકન સ્વાઇન ફલૂનો ખતરોઃ આસામમાં ૨૫૦૦ સૂવરનો સફાયો

આસામમાં ૨૦૧૯માં સૂવરોની સંખ્યા લગભગ ૨૧ લાખ હતી પરંતુ હવે તે વધીને ૩૦ લાખ જેટલી થઈ ગઈ છે

ગુવાહાટી, તા.૪: દેશમાં કોરોના સંકટની વચ્ચે આસામ સરકારે રવિવારે કહ્યું કે રાજયમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે. તેનાથી ૩૦૬ ગામોમાં ૨૫૦૦થી સૂવરને મારી દેવામાં આવ્યા છે. આસામ પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજય સરકાર કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક સૂવરોને મારવાને બદલે આ ઘાતક સંક્રમણ બીમારીને ફેલાવાથી રોકવા માટે કોઈ અન્ય રસ્તો અપનાવશે. તેઓએ જણાવ્યું કે આ બીમારીનું કોવિડ-૧૯ સાથે કોઈ લેવા-દેવા નથી.

બોરાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન ભોપાલે પુષ્ટિ કરી છે કે આ આફ્રિકન સ્વાઇન ફ્લૂ છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યું કે આ દેશમાં આ બીમારીનો પહેલો કેસ છે. તેઓએ કહ્યું કે વિભાગ દ્વારા ૨૦૧૯ની ગણતરી મુજબ સૂવરોની કુલ સંખ્યા લગભગ ૨૧ લાખ હતી પરંતુ હવે તે વધીને લગભગ ૩૦ લાખ થઈ ગઈ છે.

પશુ ચિકિત્સા મંત્રીએ કહ્યું કે, માત્ર એ જ સૂવરોને મારવામાં આવશે જે સંક્રમિત હશે. રાજય સરકારે પડોશી રાજયોને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાને ત્યાં સૂવરોની અવર-જવ પર રોક લગાવો, જેથી સંક્રમણને ફેલાવાથી રોકી શકાશે. તેઓએ કહ્યું કે, અમે ૧૦ કિલોમીટરના વ્યાપ વિસ્તારનું સર્વેલન્સ ઝોનમાં ફેરવું દીધું છે, જેથી ત્યાંના સૂવર ન જઈ શકે. પશુ ચિકિત્સા વિભાગ પ્રભાવિત વિસ્તારના એક કિલોમીટરના વ્યાપમાં નમૂના એકત્ર કરવાની તપાસ કરશે.

આસામ સરકારે જણાવ્યું કે, રાજયમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૨ થઈ ગઈ છે જેમાં ૩૨ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે. રાજયમાં હજુ ૯ કેસ એકિટવ છે અને એકનું મોત થઈ ચૂકયું છે.

(10:11 am IST)