Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

શ્રમિકોના રેલ્વે ભાડા ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે

સોનિયા ગાંધીએ માસ્ટર સ્ટ્રોક લગાવતા કેન્દ્ર સરકારની ઉંઘ હરામઃ ગરીબો પાસેથી ભાડા વસુલી મામલે કોંગ્રેસ અધ્યક્ષાએ ઉઠાવ્યા સવાલોઃ સરકાર ઉપર પ્રહાર

નવી દિલ્હી, તા.૪: કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ઘ ચાલી રહેલી લડાઇમાં લાગૂ કરાયેલા લોકડાઉનના લીધે મજૂરો ઘણા સમયથી ફસાયા હતા. હવે જયારે અંદાજે એક મહિના બાદ તેમને ઘર જવાની મંજૂરી મળી તો કેન્દ્ર સરકારે રેલવે ભાડાનો તમામ ખર્ચ મજૂરો માટે ઉઠાવવાનો નિર્ણય લીધો. તેના પર રાજકીય નિવેદનબાજી તેજ થઇ ગઇ અને હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને લઇ મોટો નિર્ણય લીધો. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતમંદ મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કામદારના ઘરે જવાના રેલવે યાત્રાનો ટિકિટ ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલાં ભરશે.

સોમવારના રોજ રજૂ કરેલા નિવેદનમાં કહ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન લાગૂ થવાના લીધે દેશના મજૂર પોતાના દ્યરે પાછા જવાથી વંચિત રહ્યા. ૧૯૪૭ બાદ દેશે પહેલી વખત આ પ્રકારનો મંજર જોયો જયારે લાખો મજૂર પગપાળા જ હજારો કિલોમીટર ચાલીને દ્યરે જઇ રહ્યા છે.

સોનિયા ગાંધીએ નિવેદનમાં કહ્યું કે જયારે અમે લોકો વિદેશમાં ફસાયેલા ભારતીયોને કોઇપણ વગરના ખર્ચ વગર પાછા લાવી શકીએ છીએ. ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે જો રેલવે મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧૫૧ કરોડ રૂપિયા આપી શકે છે તો પછી મુશ્કેલના સમયમાં મજૂરોના ભાડાનો ખર્ચ કેમ ઉઠાવી શકતા નથી?

ઉલ્લેખનીય છે કે ૨૪મી માર્ચના રોજ જયારે લોકડાઉન લાગૂ થયું ત્યારે લાખોની સંખ્યામાં મજૂર જયાં હતા ત્યાં જ ફસાઇ ગયા હતા. ત્યારબાદ હવે અંદાજે ૪૦ દિવસ બાદ તેમણે ઘર જવાની મંજૂરી મળી છે, રાજય સરકારોના નિવેદન પર કેન્દ્ર સરકારે તેના માટે સ્પેશ્યલ ટ્રેનની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ દરમ્યાન મજૂરોના ભાડાનું વહન રાજય સરકાર ઉઠાવશે. જો કે મજૂરો પાસેથી જ લેવાશે. રેલવે મંત્રાલયના આ નિર્ણયની ખૂબ આલોચના કરાઇ. માત્ર રાજકીય પક્ષો અને રાજય સરકારોએ જ તેનો વિરોધ કર્યો નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેની આલોચના થઇ છેે.

કોંગ્રેસે બ્રહ્માસ્ત્ર છોડતા ભાજપ સરકાર ઘાંઘી થઇઃ

ટિકીટનો ચાર્જ કેન્દ્ર-રાજય સરકાર ભોગવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે

નવી દિલ્હી, તા.૪: પોતાના વતન જઇ રહેલા હજારો લાખો શ્રમિક ભાઇ-બહેનો માટે કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે ટીકીટનો ચાર્જ લેવામાં આવતા આજે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ શ્રમિકોની ટિકીટનો ખર્ચ કોંગ્રેસ ઉપાડશે તેવી જાહેરાત કરતા હવે મોદી સરકાર સફાળી જાગી છે અને શ્રમિકોની રેલ્વે ટીકીટનો ૮૫ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ૧૫ ટકા ખર્ચ રાજય સરકાર ઉપાડે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહ્યાનું ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

(11:35 am IST)