Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિદેશમાંથી લોકોને મફતમાં લાવ્યા, કામદારો પાસેથી ભાડૂ લેવાનું!

રેલ્વેનો નિર્ણય હાસ્યાસ્પદઃ વિપક્ષે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, તા.૪:કોરોના સામેની લડાઈમાં દેશમાં સોમવારથી ત્રીજા તબક્કાનું લાઙ્ખકડાઉન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ૨૫મી માર્ચે પહેલું લાઙ્ખકડાઉન જાહેર કર્યા પછી લાખો-કરોડો પરપ્રાંતીય કામદારો અન્ય રાજયોમાં ફસાયા હતા. જોકે, કેન્દ્રની મંજૂરી પછી રેલવેએ આ પરપ્રાંતીય કામદારોને વતન પરત લઈ જવા માટે શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરી છે. શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા માટે રવિવારે રેલવેએ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરતાં કેટલીક શરતો મૂકી હતી. તેમાં સૌથી મહત્વની શરત એ હતી કે ટ્રેનોમાં ઓછામાં ઓછા ૯૦ ટકા પ્રવાસી હોવા જરૂરી છે.

રેલવે વિભાગે રવિવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કામદારો પાસેથી ટિકિટના નાણાં વસૂલવા રાજયોને સૂચન કરતાં વિવાદ પણ સર્જાયો છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં ટ્રેનોના સંચાલનમાં કોઈ તકલીફ ન પડે તે માટે રેલવેએ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી હતી. રેલવેએ પરપ્રાંતીય મજૂરોની હિજરત માટેની બધી જ જવાબદારીઓ રાજયો પર નાંખી દીધી છે. રેલવેએ રાજય સરકારોને કહ્યું કે તેઓ પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કર્યા પછી તેમને ટિકિટ આપે અને તેમની પાસેથી ટિકિટનું ભાડું વસૂલી રેલવેને આપે. તપાસની પ્રક્રિયામાંથી પસાર થયેલા અને સત્તાવારા ટિકિટ હોય તેવા લોકો જ રેલવે સ્ટેશનની અંદર ઘૂસે તેની જવાબદારી રાજયોની રહેશે. રેલવે સ્ટેશન પર પર્યાપ્ત સલામતી વ્યવસ્થાની જવાબદારી પણ રાજયોની રહેશે.

રેલવેએ કહ્યું કે દરેક શ્રમિક વિશેષ ટ્રેન નોન-સ્ટોપ હશે, જે એક સ્ટેશનેથી રવાના થયા પછી માત્ર એક જ સ્ટેશન પર પહોંચશે. સામાન્ય રીતે આ ટ્રેનો ૫૦૦ કિ.મી.થી વધુ અંતરના સ્થળો માટે ચાલશે. આ ટ્રેનમાં અંદાજે ૧,૨૦૦ પ્રવાસી બેસી શકે છે. જે રાજયમાંથી ટ્રેન રવાના થતી હોય ત્યાં ૯૦ ટકા પ્રવાસી એટલે કે અંદાજે ૧૧૦૦ પ્રવાસી હોય તેની ખાતરી રાજયોએ કરવાની રહેશે.

માર્ગદર્શિકામાં કહેવાયું છે કે રાજય સરકાર તરફથી માગણી થશે તેટલી જ ટિકિટ રેલવે જે-તે સ્થળ માટે પ્રિન્ટ કરશે અને તે ટિકિટ સ્થાનિક રાજય સરકાર ઓથોરિટીને આપશે. આ સ્થાનિક ઓથોરિટી આ ટિકિટો પ્રવાસીઓને આપીને તેમની પાસેથી રૂપિયા લઈ રેલવેને આપશે. પ્રવાસીઓને રાજય સરકારની ઓથોરિટી જ રિસિવ કરશે. રાજય સરકારો જ સ્ક્રિનિંગ, કવોરન્ટાઈન અને સ્ટેશનથી અન્ય જગ્યાઓ પર લઈ જવાની વ્યવસ્થા કરશે.

જોકે, રાજયોને પરપ્રાંતીય કામદારો પાસેથી ટિકિટનો ચાર્જ વસૂલવાની ભલામણ કરીને રેલવે વિવાદોમાં સપડાયું છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિત વિપક્ષે રેલવેની આ ભલામણ પર સવાલ ઉઠાવ્યો છે. અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં ટ્વીટ કરી હતી કે તમે કોરોના સંકટમાં વિદેશમાં ફસાયેલા હોવ તો સરકાર તમને મફત પાછા લાવશે, પરંતુ કોઈ રાજયમાં કોઈ પરપ્રાંતીય કામદાર ફસાયેલો હોય તો તેણે સોશિયલ ડિસ્ટન્સિંગ ખર્ચ સાથે સંપૂર્ણ ખર્ચ ભોગવવો પડશે. જો આવું જ હોય તો પીએમ કેર્સ ફંડના રૂપિયા કયાં ગયા?

આ મુદ્દે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પણ કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે ટવીટ કરી કે ટ્રેન દ્વારા વતન પરત લઈ જવાતા ગરીબ મજૂરો પાસેથી ભાજપ સરકાર દ્વારા નાણાં લેવાના સમાચાર ખૂબ જ શરમજનક છે. આજે સ્પષ્ટ થઈ ગયું કે મૂડીપતીઓના અબજો માફ કરનારી ભાજપ અમીરો સાથે છે અને ગરીબો વિરોધી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બદ્યેલે પણ રેલવેની આ ભલામણને હાસ્યાસ્પદ ગણાવી હતી.

(9:54 am IST)