Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દેશમાં કૃષિ સેક્ટરમાં ઝડપી રિકવરી આવવાની સંભાવના

સામાન્ય વરસાદ ૯૬-૧૦૪ ટકા રહેવાનો અંદાજ : રવિ પાક, સામાન્ય ચોમાસાની અપેક્ષાના કારણે ખરીફ સિઝનમાં કૃષિ ઈનપુટ માટે માંગ સારી રહેવાની સંભાવના

નવી દિલ્હી, તા. ૩ : કોરોનાના કારણે દેશમાં મોટા ભાગનાં સેક્ટરની હાલત ખરાબ છે ત્યારે એગ્રી-ઈનપુટ સેક્ટર ઘણા અંશે સુરક્ષિત રહ્યું છે. કૃષિ ક્ષેત્ર માટે સરકારી મધ્યસ્થીના કારણે નજીકના ગાળામાં તે ઝડપથી રિકવર થાય તેવી શક્યતા છે. આઇએમડીએ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત ગ્લોબલ કોમેન્ટરી મજબૂત છે અને એગ્રી ઈનપુટની માંગ સ્થિર જળવાઈ રહી છે તેથી એનાલિસ્ટ્સ બેયર ક્રોપસાયન્સ, સુમિટોમો કેમિકલ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ ઇન્ડિયા ધાનુકા એગ્રીટેક, કોરોમંડલ, યુપીએલ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદવાની ભલામણ કરે છે. એડલવાઇઝ સિક્યોરિટીઝના એનાલિસ્ટ રોહન ગુપ્તાએ જણાવ્યું કે, પ્રોડક્ટની ઉપલબ્ધિ અને ખેડૂતોનો કેશ ફ્લો એક મોટી સમસ્યા છે ત્યારે એગ્રી ઈનપુટ્સની માંગ ટકી રહી છે અને સરકારની દરમિયાનગીરીના કારણે કૃષિ કામગીરીમાં અવરોધો દૂર થવાની શક્યતા છે. તેથી અમે ધાનુકા એગ્રીટેક, શારદા ક્રોપકેમ, યુપીએલ અને કોરોમંડલ ઇન્ટરનેશનલ જેવી એગ્રી ઈનપુટ કંપનીઓ માટે પોઝિટિવ છીએ. સરકાર કોરોના રોગચાળા વચ્ચે પણ ખેતીની પ્રવૃત્તિમાં અવરોધ ન આવે તેવા પ્રયાસ કરી રહી છે.

              તેથી બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશકો જેવી ચીજોની માંગ જળવાઈ રહેશે જેને આવશ્યક ચીજોની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તેથી આ સેક્ટરમાં બિઝનેસ હજુ પણ સામાન્ય છે. શેરખાનના એનાલિસ્ટ રિશભ બોથરાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ નજીકના ભવિષ્યમાં પરફોર્મન્સ પર અસર કરશે પરંતુ સારા રવી પાક અને સામાન્ય ચોમાસાની અપેક્ષાના કારણે ખરીફ સીઝનમાં કૃષિ ઈનપુટ માટે માંગ તંદુરસ્ત રહેવાની સંભાવના છે. અમને પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ પસંદ છે જે મજબૂત ઓર્ડર બૂક, તંદુરસ્ત સ્થાનિક બિઝનેસ અને મજબૂત બેલેન્સ શીટ ધરાવે છે.

           યુપીએલ સમગ્ર વિશ્વમાં અપેક્ષિત માંગને પહોંચી વળે તેવી તંદુરસ્ત ઇન્વેન્ટરી લેવલના કારણે યોગ્ય શેર છે. આઇએમડીએ ચાલુ વર્ષ માટે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે જેમાં અંદાજિત વરસાદ લોંગ ટર્મ એવરેજના ૯૬ ટકાથી ૧૦૪ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. તમામ પ્રકારના ખરીફ પાક માટે પાણીની ઉપલબ્ધતા અનુકૂળ હશે અને સામાન્ય ચોમાસાના કારણે એગ્રી ઈનપુટ્સના એકંદર વપરાશમાં વધારો થશે તેમ એનાલિસ્ટે જણાવ્યું હતું. ઇલેરા કેપિટલના એનાલિસ્ટ પ્રતીક થોલિયાએ જણાવ્યું કે, ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતાથી ફર્ટિલાઇઝરનું વેચાણ મજબૂત રહેવાની ધારણા છે કારણ કે તે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટમાં મુખ્ય સ્રોત છે. કંપનીઓ કહે છે કે રવી પાકના કારણે ખેડૂતોની આવકને અસર નહીં થાય કારણ કે સરકાર લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. આ ઉપરાંત પીએમ-કિસાન યોજનાની ચુકવણીના કારણે પણ રોકડની તંગી દૂર થશે. ચંબલ ફર્ટિલાઇઝર્સ રોગચાળા વચ્ચે મજબૂત સ્થિતિમાં છે.

(12:00 am IST)