Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જુવો વિડીયો : કોરોના દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ ?: જાણો કઈ રીતે થાય છે કોરોનાના સેમ્પલનું લેબમાં ટેસ્ટિંગ :રાજકોટ પીડિયું મેડિકલ કોલેજના ડિન ડો.ગૌરવી ધ્રુવએ આપી વિગતવાર માહિતી

ચાર તબક્કાની પ્રક્રિયા : કોરોના વાઇરસથી સીધા સંક્રમિત થવાના સતત જોખમ વચ્ચે 3 ટેક્નિશિયન, 3 ડૉક્ટર્સ, 3 પ્રોફેસર તેમજ પ્યૂન આપે છે સેવા : ડિ. ડિ. ન્યૂઝના સંવાદદાતા ઋષિ દવે એ અત્યંત તકેદારી સાથે રાજકોટની કોરોના ટેસ્ટિંગ લેબની લીધેલી અતિ જોખમી મુલાકાત

 રાજકોટ : ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે.ત્યારે લોકોના મનમાં એ વાતનું કુતુહલ થઈ રહ્યું હશે કે કોરોનાનો ટેસ્ટ કેવી રીતે થાય છે ? અને કેટલી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એ નક્કી થઈ શકે છે કે કોઈ દર્દી કોરોના પોઝિટિવ છે કે નહીં ?,.આ માટે રાજકોટમાં કોરોનાના ટેસ્ટ માટે પીડીયુ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં ઊભી કરાયેલી સુવિધા અંગે માહિતગાર કરવા ડીડી ન્યૂઝના સંવાદદાતા ઋષિ દવે એ પીડિયું મેડિકલ કોલેજના ડિન ડોકટર ગૌરવી ધ્રુવ સાથે રાજકોટની કોરોના ટેસ્ટિંગ લેબની અંદરથી તમામ તકેદારી સાથે રિપોર્ટિંગ કરેલ છે

  રાજકોટ શહેર માં પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલ લેબના ડીન ડો. ગૌરવી ધ્રુવ સાથે સંવાદદાતા ઋષિ દવે એ કોરોના લેબની અંદર જઈ કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંપુર્ણ પ્રક્રિયા લાઈવ દર્શાવી હતી. એવું આ પ્રથમવાર બની રહ્યું છે કે કોરોના વાઈરસના ટેસ્ટિંગનો લેબમાંથી લાઈવ વીડિયો રિપોર્ટિંગ થયું હોય. ડો. ગૌરવી ધ્રુવે સેમ્પલ સીલેકટ કરવાથી માંડીને તેના પ્રોસેસિંગ અને અંતિમ પરિણામ આવવા સુધીના તમામ ચાર તબક્કાનું બાખૂબી વર્ણન કર્યું છે . દરેક વખતે લેબમાં કામ કરી રહેલા 10 લોકો કોરોના વાઇરસથી સીધા સંક્રમિત થવાના સતત જોખમ હેઠળ જીવી રહ્યા છે. જેમાં 3 ટેક્નિશિયન, 3 ડૉક્ટર્સ, 3 પ્રોફેસર તેમજ પ્યૂનનો સમાવેશ થાય છે

તબક્કો 1-સેમ્પલ એલિકોટિંગ:કોઈ પણ શંકાસ્પદ પેશન્ટના ગળાના ભાગેથી સ્વોબ એટલે કે સિક્રિશન્સ લેવામાં આવે છે. આ સેમ્બલને બાયોસેફ્ટી કેબિનેટની અંદર પ્રોસેસ કરાય છે. સેમ્પલના 3 મિલિ જથ્થામાંથી 200 માઈક્રો લિટર જેટલું સેમ્પલ બહાર કાઢી તેમાં કેમિકલ નાંખીને વાઈરસને મૃત કરાય છે. પ્રથમ તબક્કામાં બાયોસેફ્ટી કેબિનેટમાં પ્રોસેસ કરાય છે. સેમ્પલમાં રિએજન્ટ ઉમેરવાથી તેમાં રહેલા તમામ વાઇરસ મૃત બને છે જેને એલિકોટિંગ કહેવાય છે.
તબક્કો 2- આરએનએ એક્સટ્રેક્શન:વાઇરસના મધ્યમાં આરએનએ હોય છે. આ સ્ટેપમાં કોરોનાની અંદર રહેલા મહત્ત્વના આરએનએને છૂટું પડાય છે. સેમ્પલમાં ઘણા બધા વાઇરસ હોય છે તેથી તમામના આરએનએ અલગ કરાય છે.આરએનએ કે જે વાઈરસના બંધારણનો સૌથી મોટો ભાગ છે તેને એક્સટ્રેક્ટ કરી તેનું લાઈસીસ કરીને આગળના તબક્કામાં ડિટેક્ટ કરવામાં આવે છે કે તે કોરોના કે અન્ય વાઈરસનું છે.
તબક્કો 3-  પ્રિ–પીસીઆર સેક્શન:અહીં બાયોસેફ્ટી કેબિનેટમાં કોરોના વાઈરસને ડિટેક્ટ કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ તૈયાર કરાય છે. આ કેમિકલ તૈયાર થાય એટલે તે કેમિકલ અને બીજા સ્ટેપમાં જે આરએનએ તૈયાર થયું છે તેને પીસીઆર સેક્શનમાં લાવવામાં આવે છે. લેબના 3 નંબરના રૂમમાં આરએનએને ડિટેક્ટ કરવા માટે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ જે કોરોના વાઇરસનો જિનેટિક કોડ તૈયાર કર્યો છે તેના પરથી રિએજન્ટ તૈયાર કરવામાં આવે છે.
તબક્કો 4 - પીસીઆર સેક્શન:જે આરએનએ અલગ કરાયું છે તેને તેમજ 3 નંબરના રૂમમાં જે રિએજન્ટ તૈયાર કર્યા છે તેને એક વાયલમાં મિક્સ કરીને મશીનમાં મૂકાય છે. મશીન 55થી 95 ડિગ્રી વચ્ચેના અલગ અલગ તાપમાને જુદા-જુદા સમય રાખે છે. આ તાપમાને આરએનએમાં મલ્ટિપ્લિકેશન થાય છે અને પરિણામ ગ્રાફના રૂપે આવે છે. ગ્રાફમાં આરએનએ મલ્ટિપ્લાય થાય અને કોરોનાના જિનેટિક કોડથી મેચ થાય તો પોઝિટિવ ગણાય. સંપૂર્ણ પ્રક્રિયાના અંતે આ મશીનમાં આપણને ખબર પડે છે કે આ સેમ્પલમાં કોરોના વાઈરસ છે કે કેમ. પરંતુ પરિણામ જાહેર કરતા પહેલા તે સેમ્પલનો ફરીથી રિપોર્ટ કરાય છે

(9:06 pm IST)