Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના વેક્સિનના ઉંદર પર સારા રિઝલ્ટોથી નવી આશા

ટૂંકમાં જ માનવી પર ટેસ્ટ કરવાની તૈયારી : અમેરિકામાં વૈજ્ઞાનિકો કોરોનાનો તોડ શોધવામાં વ્યસ્ત

નવી દિલ્હી, તા. ૪ : અમેરિકા કોરોના વાયરસના કારણે નિસહાય અને ખરાબ સ્થિતિમાં મુકાયું છે ત્યારે તેના વૈજ્ઞાનિકો દિનરાત એક કરીને કોરોનાનો તોડ શોધી કાઢવામાં લાગેલા છે. હવે કોવિડ-૧૯ સાથે સંબંધિત એક વેક્સિન તૈયાર કરવામાં આવી છે જેનો પ્રયોગ હાલમાં ઉંદર પર કરવામાં આવ્યો છે. આ દરમિયાન જોવામાં આવ્યું છે કે, એક સ્તર પર આવીને આ નવા કોરોના વાયરસની સામે એક ઇમ્યુનિટી તૈયાર કરી લે છે જે કોરોનાના ઇન્ફેક્શનથી બચાવી લે છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ દવાનો પ્રયાસો ઉંદર પર કરવામાં આવ્યો છે. આ પ્રોટોટાઈપ વેક્સિનના બે સપ્તાહની અંદર એન્ટીબોડીઝ તૈયાર કરી લેવામાં આવે છે. આ વેક્સિનનું નામ હાલમાં પીટકોવેક રાખવામાં આવ્યું છે.

        યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગ સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોએ કહ્યું છે કે, પ્રાણી પર લાંબા સમય સુધી નજર રાખવામાં આવી નથી જેથી હાલમાં આ વાત કરવી વહેલીતકે રહેશે કે ક્યાં સુધી તેમાં ઇમ્યુનિટી રહેશે. સંશોધકોની ટીમને વિશ્વાસ છે કે, આગામી થોડાક મહિનામાં માનવી પર પણ તેનો પ્રયોગ કરવામાં આવશે. બીજી બાજુ અમેરિકાના તબીબો સ્વસ્થ થઇ ચુકેલા દર્દીઓના બ્લડ પ્લાઝમા મારફતે સારવારના પ્રયાસ કરી રહ્યા છે. આ પદ્ધતિ પણ અસરકાર સાબિત થઇ શકે છે. આગામી દિવસોમાં તેના પરિણામ કેવા રહે છે તે બાબત પણ જોવાની રહેશે. માત્ર અમેરિકાના જ નહીં બલ્કે દુનિયાના દેશો હાલમાં જુદા જુદા પ્રયોગોમાં લાગેલા છે અને કોરોનાનો તોડ શોધી કાઢવા મથામણ કરી રહ્યા છે. ટૂંકમાં જ સફળતા મળશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

(7:35 pm IST)