Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ૨ આતંકવાદીઓ મોતને ઘાટ

સુરક્ષા દળો સાથે ભીષણ અથડામણ થઇ : ઠાર કરાયેલા આતંકવાદીઓની પાસેથી હથિયારો કબજે

જમ્મુ,તા. ૪ : દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને આજે સવારે મોટી સફળતા મળી હતી. કારણ કે સુરક્ષા દળોએ ચોક્કસ બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીર પોલીસને કુલગામના મંજગામમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઓપરેશન દરમિયાન ત્યાં છુપાયેલા ત્રાસવાદીઓએ એકાએક જોરદાર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. અથડામણ થયા બાદ કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.

        ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની ઓળખ હજુ કરવામાં આવી નથી. પોલીસને વિશ્વસનીય માહિતી મળ્યા બાદ આ ઓપરેશન સફળ રહ્યુ હતુ. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબુદી બાદથી સુરક્ષા દળો જોરદાર રીતે સક્રિય રહ્યા છે. ત્રાસવાદીઓની હિલચાલ પર સતત રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળો ત્રાસવાદને કાબુમાં લેવામાં સફળ રહ્યા છે. જો કે હાલમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતી રહેલી છે. જેથી તમામ પ્રવૃતિ ઠપ્પ રહેલી છે. જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ત્રાસવાદીઓ અંગે માહિતી મળ્યા બાદ સંયુક્તરીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની સાથે આ સર્ચ ઓપરેશનમાં ૩૪ રાષ્ટ્રીય રાયફલના જવાનો સામેલ થયા હતા. ત્રાસવાદીઓ સુધી જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પોલીસના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, આ આતંકવાદીઓએ વિતેલા વર્ષોમાંત્રણ નાગરિકોની હત્યા કરી હતી.

(7:34 pm IST)