Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ટોર્ચ જલાવવાથી કોરોના નહીં ભાગે : રાહુલ ગાંધી

વડાપ્રધાનની અપીલને લઇને રાહુલ ગાંધીની ટકોર : દેશભરમાં પુરતી સંખ્યામાં જરૂરી ટેસ્ટિંગ થઇ રહ્યા નથી જે કમનસીબ બાબત : ટેસ્ટિંગ પર ધ્યાનની જરૂર : રાહુલ ગાંધી

નવીદિલ્હી, તા. ૪ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મહામારીને હાથ ધરવા માટે કરવામાં આવી રહેલી તપાસને અપુરતી તરીકે ગણાવીને આજે વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા. ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, લોકોને તાળી વગાડવા અને ટોર્ચ જલાવવાથી કોરોનાની સમસ્યાનો ઉકેલ આવશે નહીં. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે, વડાપ્રધાનને કોઇપણ પ્રકારની ચિંતા દેખાઈ રહી છે. ભારત પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં અસમર્થ દેખાઈ રહ્યું છે. કોરોના વાયરસને હાથ ધરવા માટે પુરતી સંખ્યામાં ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી નથી. આસમાનમાં ટોર્ચ જલાવવાથી આ સમસ્યા દૂર થનાર નથી. હકીકતમાં મોદીએ થોડાક દિવસ પહેલા જનતા કર્ફ્યુના દિવસે દેશવાસીઓ સમક્ષ સાંજે પાંચ વાગે પાંચ મિનિટ માટે કોરોનાની સામે જંગ લડી રહેલા નાગરિકો પ્રત્યે સન્માનના ભાગરુપે તાળી, થાળી વગાડવાની અપીલ કરી હતી.

        હવે દેશવાસીઓ સમક્ષ ફરીવાર અપીલ કરીને આવતીકાલે રવિવારના દિવસે રાત્રે નવ વાગે લાઇટ બંધ કરીને નવ મિનિટ સુધી મિણબત્તી, ટોર્ચ જલાવવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ વડાપ્રધાનની આ અપીલને લઇને જુદા જુદા અભિપ્રાય આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ શશી થરુરે ઉત્તરપ્રદેશ પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના એક પત્રનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, મોદીની આ પ્રકારની બાબત અયોગ્ય દેખાઈ રહી છે. બીજી બાજુ આના જવાબમાં ઇન્ફોસીસના પૂર્વ ડિરેક્ટર અને અક્ષયપાત્રના સ્થાપક ટીવી મોહનદાસે થરુરને અનાડી તરીકે ગણાવીને તેમની ટિકા કરી છે. કોંગ્રેસ સાંસદે કહ્યું છે કે, ઇલેક્ટ્રીસિટી બોર્ડ દ્વારા આને લઇને પહેલાથી જ પગલા લેવાઈ રહ્યા છે.

(7:32 pm IST)