Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર આવતીકાલે રાત્રે નવ વાગે દેશભરમાં તમામ લાઇટ બંધ

કોરોનારૂપી અંધકારને ભગાડવા દેશના લોકો સંપૂર્ણપણે તૈયાર : જનતા કર્ફ્યુ બાદ લોકડાઉન સ્થિતિ વચ્ચે ૧૩૦ કરોડથી વધારે લોકો આવતીકાલે રાત્રે નવ વાગે દિવા, મીણબત્તી, ટોર્ચ, ફોનની ફ્લેશ લાઇટ જલાવવા તૈયાર

નવીદિલ્હી, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ આવતીકાલે રવિવારના દિવસે દેશભરમાં રાત્રે નવ વાગે નવ મિનિટ માટે દિપ પ્રગટાવવા માટેની તૈયારી લોકો કરી રહ્યા છે. લોકોમાં મોદીની આ અપીલની જોરદાર અસર પણ દેખાઈ રહી છે. મોદીએ સૌથી પહેલા કોરોના વાયરસના જોરદાર પ્રકોપ વચ્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી જેને લઇને લોકોએ કઠોરરીતે પાલન કરીને એકતાના દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને ૨૧ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.

         લોકડાઉનની જાહેરાત થયા બાદથી દેશભરમાં લોકો કઠોર નિયમો પાળી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની અપીલ ઉપર આવતીકાલે લોકો રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી પોતપોતાના ઘરની લાઇટો બુઝાવી દેશે અને કેન્ડલ, દિપક, ટોર્ચ અથવા તો મોબાઇલની ફ્લેશ લાઇટ જલાવશે. મોદીની આ અપીલ પર સમર્થકો અને વિરોધી વચ્ચે સોશિયલ મિડિયા પર જોરદાર જંગ છેડાયેલો છે. બંને તરફથી જોરદારરીતે તર્ક આપવામાં આવી રહ્યા છે. ઘણા લોકો સમર્થનમાં અને ઘણા લોકો વિરોધમાં દેખાઈ રહ્યા છે. જો કે, અગાઉના અનુભવથી મોટાભાગના લોકો દાવો કરી રહ્યા છે કે, આવતીકાલે પણ મોદીની અપીલની જોરદાર અસર દેખાશે અને રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી લાઇટ બંધ કરીને મોદીની અપીલનું પાલન કરશે. હકીકતમાં મોદીએ વિતેલા દિવસોમાં જનતા કર્ફ્યુના દિવસે દેશવાસીઓને સાંજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી કોરોનાની સામે જંગના હિરો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા તાળી, થાળી વગાડવા માટે કહ્યું હતું.

       હવે મોદીએ દેશવાસીઓને કોરોનાની સામે જંગમાં એકતાના દર્શન કરાવવા અને કોરોનારુપી અંધકારને ભગાવવા રાત્રે નવ વાગે લાઇટ બંધ કરીને નવ મિનિટ સુધી મીણબત્તી જલાવવા માટે કહેવામાં આવ્યું છે. ઘરના તમામ ઉપકરણોને બંધ કરવામાં આવશે. બીજી બાજુ આ ગાલા દરમિયાન જુદી જુદી અફવાઓ પણ આવી રહી છે. વિજળી ડુલ થવાના સંદર્ભમાં લોકોની જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી છે. આ સંદર્ભમાં વિજળી મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, વિજળી ડુલ થવાની નથી. વિજળી બંધ થશે નહીં તેવી જાહેરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે. સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, વિજળી બંધ થશે નહીં. આવતીકાલે નવ વાગે લાઇટો બંધ કરીને તમામ લોકો મીણબત્તી, ટોર્ચ અને મોબાઇલની ફ્લેશ લાઇટો શરૂ કરશે.

       કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોરોના વાયરસ આ પ્રકારની ગતિવિધિથી ભાગશે નહીં. ગઇકાલે મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં રાત્રે નવ વાગે નવ મિનિટ ફાળવવા તમામ લોકોને અપીલ કરી હતી. ત્યારબાદથી જ આને લઇને જુદા જુદા મત આવી રહ્યા છે. મોદીની આ અપીલ બાદ ભારતીય સેનાએ પણ એક એડવાઈઝરી જારી કરી છે. ભારતીય સેનાએ સલાહ આપી છે કે, પાંચમી એપ્રિલના દિવસે મીણબત્તી અથવા તો દિપક પ્રગટાવ્યા બાદ પોતાના હાથ જરૂર ધોવામાં આવે. અલબત્ત આ વખતે સાબુનો જ ઉપયોગ કરવામાં આવે સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે નહીં તે જરૂરી છે. કારણ કે, સેનેટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ રહે છે જેથી આગ લાગી શકે છે.

(7:31 pm IST)