Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સામાન અને રૂપિયા આપવા-લેવામાં તો ક્યાંક કોરોનાનો ખતરો તો નથી ને : ઉપયોગ કર્યા બાદ હાથ સાફ રાખવા સલાહ

નવી દિલ્હીઃ હાલ આખો દેશ બંધ પડ્યો છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. જોકે, આ વચ્ચે કેટલીક જરૂરી સેવાઓ ચાલુ છે. તો જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી છે. કોરોનાથી બચવાનો સૌથી સારો ઉપાય એ જ છે કે લોકો ઘરમાં રહે. પરંતુ બંધ ઘરમાં રાશન-પાણી તો જરૂરી છે. તેથી તમે માર્કેટમાં તો જતા જ હશો. રૂપિયા અને સામાનની લે-વેચ કરતા હશો. આવામાં સવાલ એ થાય છે કે, શું સામાન અને રૂપિયા આપવા-લેવામાં ક્યાંક કોરોના વાયરસનો ખતરો તો નથી ને.

હાલમાં જ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સના ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખઈને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ગંદી નોટના માધ્યમથી કોરોના વાયરસથી ફેલાવાનો ખતરો તો નથી ને. શક્ય છે કે, નોટ અને સિક્કા અલગ અલગ લોકોના સંપર્કમાં આવે છે, જેને કારણે તે દૂષિત થવાનો ખતરો સૌથી વધુ રહે છે. મોટાભાગના લોકો ગ્લોવ્ઝ પહેરીને આદાનપ્રદાન કરે છે. પરંતુ અનેક લોકોના હાથમાં ગ્લોવ્ઝ રહેતા નથી.

જોકે, એવુ કોઈ રિસર્ચ સામે આવ્યુ નથી કે જેનાથી એ માલૂમ પડે કે, કોરોના વાયરસ કરન્સી નોટોના માધ્યમથી ફેલાય છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને નોટોની જરૂરી સ્વચ્છતા રાખવાની સલાહ આપી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર, લેણદેણમાં ઉપયોગમાં થનારી નોટથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે. કોઈ સંક્રમિત વ્યક્તિ જો કોઈ નોટ બીજાને આપે છે તો કોરોના વાયરસના ફેલાવાની શક્યતા છે. જોકે, રૂપિયાની લેણદેણ કર્યા બાદ તમે તમારા હાથ વ્યવસ્થિત ધોઈ લેવા જોઈએ. આ વચ્ચે મોઢુ, નાક અને આંખે સ્પર્શ કરવાથી બચો.

બીજી તરફ, પેકેટની વાત કરીએ તો શું તેના દ્વારા વાયરસ ફેલાઈ શકે છે. તો વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, કોરોના વાયરસ કોઈ પણ પ્રકારની વસ્તુ પર 2 કલાક રહી શકે છે. તેનો મતલબ એ કે, તે પેકેટ પર પણ રહી શકે છે. પરંતુ પેકેટના માધ્યમથી તેની ફેલાવાની શક્યતા બહુ જ ઓછી છે.

ભારતમાં કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યાં છે. આવામાં નોટ હોય કે પેકેટ, તમામ બાબતે સાવધાની રાખવાની જરૂર પડી છે. ગુજરાતના આરોગ્ય સચિવે પણ હાલમાં કહ્યું હતું કે, બહારથી લાવવામાં આવેલી કોઈ પણ વસ્તુને ધોઈને ઉપયોગમાં લો. પાર્લરમાં લાવવામાં આવેલ દૂધના પેકેટને પણ ધોઈ લો. કારણ કે, તે અનેક લોકોના હાથમાથી પસાર થઈને આવ્યા હોય છે.

(4:55 pm IST)