Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વિશ્વમાં ૨૦૦૮થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી, IMFએ આપી ગંભીર ચેતવણી

કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જ ઘણી ખરાબ અસર જોવા મળી રહી છે

વોશીંગ્ટન, તા.૪: ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કહ્યું કે વિશ્વ મંદીથી પણ મોટા નાણાકીય સંકટમાં આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું કે ૨૦૦૮ની મંદીથી પણ મોટા નાણાકીય સંકટમાં હાલ વિશ્વના દેશો આવી ગયા છે. જોર્જીવાએ કહ્યું કે આઈએમએફના ઈતિહાસમાં અમે કયારેય નથી જોયું કે વિશ્વના અર્થતંત્ર આ પ્રકારની અડચણો આવે. આર્થિક પ્રવૃતિઓને ફરી શરૂ કરવા માટે કોવિડ-૧૯ સંક્રમણ પર કાબૂ મેળવવો જરૂરી છે. જો કે આ સાથે જ તેઓએ સ્વીકાર્યુ છે કે યોગ્ય સંતુલન મેળવવું એટલું સહેલું નહીં હોય. કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જ ઘણી ખરાબ અસર જોવા મળી રહી છે. વિશ્વની અડધીથી વધુ વસ્તી હાલ લોકડાઉનના પગલે ઘરેથી કામ કરી રહી છે. વિશ્વભરમાં આ મહામારીથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે જયારે ૧૦ લાખથી વધુ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે.

રાષ્ટ્રસંદ્યના વડા એન્ટોનિયોએ આજે જણાવ્યું હતું કે જે દેશો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે ચેતવાની જરૂર છે. આવા દેશોની સ્થિતિ આગામી દિવસોમાં વધારે બદતર થઈ શકે છે. લિબિયા, સિરિયા, યમન જેવા દેશો વર્ષોથી ગૃહયુદ્ઘ લડી રહ્યા છે અને અમુક કેસોમાં સરહદી સંદ્યર્ષ પણ ચાલુ છે. ત્યાં કોરોના ફેલાવાની શરૂઆત થયા પછી અટકવો મુશ્કેલ થઈ પડશે, એવી ચેતવણી રાષ્ટ્રસંદ્યે આપી હતી. માટે આ ત્રણ અને અન્ય દેશો પણ અત્યારે શાંતિ જાળવે એવી અપીલ એન્ટોનિયોએ કરી હતી.

કોરોનાને કારણે બંધ પડેલા ધધા-રોજગારથી અમેરિકામાં માર્ચ મહિનામાં ૭ લાખ ૧ હજાર લોકોએ નોકરી ગુમાવી હતી. અમેરિકી સરકારના લેબર ડિપાર્ટમેન્ટે આજે આંકડા રજૂ કર્યા હતા. ૨૦૦૯ પછી એક જ મહિનામાં નોકરી ગુમાવનારાનો આ સૌથી મોટો આંકડો છે. આ ઘટાડાની અસર અમેરિકી શેરબજાર અને ક્રૂડ બજારમાં પણ થઈ હતી અને ત્યાં મોટે પાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. ડાઉજોન્સમાં ૨૦૦ અંકનો કડાકો જોવા મળ્યો હતો.

સ્પેન, અમેરિકા અને બ્રિટનમાં મોટી સંખ્યામાં મોત નોંધાતા કોરોનાથી મોતનો વૈશ્વિક આંકડો ૬૦ હજારથી વધી ગયો હતો, જયારે કોરોનાના કેસ ૧૧ લાખથી પણ વધી ગયા છે. બીજી તરફ સવા બે લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. સ્પેનમાં ૨૪ કલાકમાં જ ૯૦૦ મોત નોંધાયા હતા. બ્રિટનમાં પણ એક દિવસમાં ૫૬૯ મોત નોંધાતા સરકારે નવી કામચલાઉ હોસ્પિટલો ખોલવાની શરૂઆત કરી દીધી હતી. જર્મન સરકારે જણાવ્યું હતુ કે ત્યાં ચેપ લાગવાનો દર જરા ધીમો પડયો છે. ચીની સરકારે જાહેર કર્યું હતુ કે તેઓ ૪થી એપ્રિલનો દિવસ શોક દિવસ તરીકે મનાવશે. એ માટે ૪થી એપ્રિલે સવાલે ૧૦ વાગ્યે આખા ચીનમાં ૩ મિનિટનું મૌન પાળવામાં આવશે અને કોરોનાથી ચીનમાં મૃત્યુ પામેલા ૩૩૦૦થી વધુ લોકોને અંજલિ અપાશે. બીજી તરફ અર્થતંત્રને વેગવંતુ બનાવવા ચીની સેન્ટ્રલ બેન્કે અન્ય બેન્કોને સૂચના આપી છે કે કુલ ૫૬ અબજ ડોલર જેટલું ફંડ માર્કેટમાં ઠાલવવું. સાઉદી અરબના રાજાએ પણ માર્કેટમાં ૨.૪ અબજ ડોલરની રકમ ઠાલવવાનો આદેશ આપ્યો છે. જેથી કોરોનાને કારણે ધીમું પડેલું અર્થતંત્ર વેગવાન બની શકે.

કોરોનાવાઈરસને કારણે મોટા ભાગના ઉદ્યોગોમાં મંદી છે, પરંતુ અમુક ઉદ્યોગોમાં તેજી આવી છે. જેમ કે ફ્રાન્સમાં શબપેટી (કોફીન) બનાવનારાઓના કામમાં વૃદ્ઘિ નોંધાઈ છે. ફ્રાન્સના શબપેટી નિર્માણ કરતા સુથારોએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં અમે રોજની ૫૦ શબપેટી બનાવતા હોઈએ છીએ. પરંતુ અત્યારના સમયે આઠ ગણું વધારે ઉત્પાદન કરવું પડે છે, એટલે કે ૪૦૦ જેટલી શબપેટીઓનું નિર્માણ થાય છે.

(3:50 pm IST)