Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજકોટે ઇતિહાસ રચ્યો

જ્યોતિ CNCની ઉંચી ઉડાનઃ વેન્ટીલેટરનું સફળ નિર્માણ

હવે ગુજરાતમાં વેન્ટીલેન્ટરની અછત નહીં સર્જાયઃ દસ દિવસમાં દિવસના ૧૦૦ વેન્ટીલેટર બનશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કરી જાહેરાત : વેન્ટીલેટરને નામ આપ્યુ 'ધમણ-૧' : હાલ ૩ વેન્ટીલેટર બનાવાયાઃ ૧ લાખથી પણ ઓછા ખર્ચમાં નિર્માણઃ પહેલા એક હજાર વેન્ટીલેટર રાજ્ય સરકારને દાનમાં આપવામાં આવશેઃ પરાક્રમસિંહ જાડેજા

અમદાવાદ તા. ૪: આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સે સંબોધી હતી. જે બાદ તેઓએ મોટી જાહેરાત કરતાં કહું કે, રાજકોટનાં એક ઉદ્યોગકારે વેન્ટીલેટર બનાવ્યું છે. જેને કારણે ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં સર્જાય. સાથે જ તેઓએ કહ્યું કે, આ વેન્ટિલેટરને ગુજરાતી નામ ધમણ-૧ આપવામાં આવ્યું છે.રાજકોટની જાણીતી કંપની જયોતિ સીએનસીએ વેન્ટિલેટર તૈયાર કર્યું છે.

નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું કે, એન-૯૫ માસ્કની વિશ્વમાં અછત છે. તો વેન્ટિલેટરની અછતને લઈને પણ વિશ્વમાં ચિંતા છે. તેવામાં રાજકોટના એક ઉદ્યોગકારને વેન્ટિલેટર બનાવવામાં સફળતા મળી છે. અને આ વેન્ટિલેટર દર્દીઓ પર સફળ રીતે કામ કરી રહ્યું છે. સાથે જ સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં રહે, અને જો પ્રોડકશન વધુ હશે તો ગુજરાત અન્યા રાજયોમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર મોકલશે. આ વેન્ટીલેટર મેડ ઈન ગુજરાત અને મેડ ઈન રાજકોટ બન્યું છે. એટલે તેનું નામ 'ધમણ-૧' રાખવામાં આવ્યું છે. રાજકોટમાં નાસાના પાર્ટ્સ પણ બને છે તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું છે.

તો આ વેન્ટીલેટર બનાવવાના પ્રોજેકટમાં સામેલ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૧૦ દિવસની અંદર અમે આ પ્રોજેકટને પૂર્ણ કર્યો છે. ૧૫૦ લોકોએ દિવસ રાત કામ કર્યું છે. ભારતની ૨૬ કંપનીઓએ અમને પાર્ટ્સ આપ્યા છે. દમણ ૧ પ્રેસર કંટ્રોલ વેન્ટિલેટર છે. અને તે ખાસ કોરોનાના દર્દીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. આગામી ૧૦ દિવસમાં દિવસના ૧૦૦ વેન્ટિલેટર બનશે. હાલ ફકત ૩ જ વેન્ટિલેટર બન્યા છે. ૧ લાખથી પણ ઓછા ખર્ચમાં આ વેન્ટિલેટર બન્યું છે. સાડા ત્રણ લાખની કિંમતની વેન્ટિલેટર ૧ લાખ રૂપિયાની અંદર ગુજરાતમાં બની રહ્યું છે. હાલની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. પહેલાં ૧ હજાર વેન્ટિલેટર રાજય સરકારને દાન કરવામાં આવશે. આ વેન્ટિલેટર ગુજરાત અન્ય રાજયોને પણ મોકલશે.

તો નીતિન પટેલે જણાવ્યું કે, વિશ્વ આખું કોવિડ-૧૯ મહામારી સામે લડી રહ્યું છે. સરકાર નાગરિકોને બચાવવા માટે પ્રયત્નશીલ છે. વેન્ટિલેટર માનવ જીવન બચાવવા માટે સૌથી ઉપયોગી છે. અન્ય સ્થળોએથી વેન્ટિલેટર મળી શકતા નથી. રાજકોટ આધુનિક સાધનો માટે પ્રખ્યાત છે.

(5:17 pm IST)