Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

એર ઈન્ડિયાની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટસનું બૂકિંગ ૩૦ એપ્રિલ સુધી બંધ

લોકડાઉનની સમયમર્યાદા વધવાની અટકળોએ જોર પકડયું

મુંબઈ, તા.૪: વૈશ્વિક મહામારી કોરોના વાયરસે  ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની સકંજામાં સાંપડી લીધી છે. કોરોના વાયરસના વધતા જતા પગપેસારાને અટકાવવા માટે મોદી સરકારે ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનનો આદેશ આપ્યો હતો, જે ૧૪ એપ્રિલ સુધી લાગુ રહેશે. અત્યારે દેશમાં ચારેય તરફ એક જ ચર્ચા થઈ રહી છે કે લોકડાઉન ૧૪ એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ પણ પોતાની તમામ નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દીધું છે.

કોરોના વાયરસની મહામારીને વધતી અટકાવવા માટે દેશની તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ટ્રેન, મેટ્રો, બસ સહિતના તમામ વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આ્યો હતો. શુક્રવારના રોજ એર ઈન્ડિયાએ આ અંગે સત્તાવાર જાણકારી આપીને કહ્યું હતું કે તેમની તમામ ફ્લાઈટ્સનું બૂકિંગ ૩૦ એપ્રિલ પછી જ કરી શકાશે.

નોંધનીય છે કે અત્યારસુધીમાં ભારતમાં કોરોના વાયરસના ૨૫૯૦થી વધારે કેસ નોંધાઈ ચૂકયા છે. જેમાંથી ૭૧ લોકો આ વાયરસના કારણે મોતને ભેટી ચૂકયા છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. આ સાથે જ વિશ્વભરમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૦,૫૬,૭૭૦ સુધી પહોંચી ગઈ છે. જેમાં ૫૫,૭૮૦દ્મક વધારે લોકોના મોત નિપજી ચૂકયા છે. આ મહામારીની સૌથી વધારે અસર ઈટાલી પર થઈ છે જયાં અત્યાર સુધીમાં ૧૩,૯૧૪ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. ત્યારબાદ બીજા નંબર પર સ્પેન છે જયાં મૃતકઆંક ૧૦,૯૩૪ સુધી પહોંચી ગયો છે.(૨૩.૫)

(11:47 am IST)