Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

હમણા સુધી કોઇને જેના વિષે કંઇ ખ્યાલ નહોતો એ 'સેનીટાઇઝર' સૌના હૈયે ને હોઠે વસી ગયું

પ કે ૭ વર્ષના બાળકને પુછો તો એ પણ તમને એની ઉપયોગીતા સમજાવી દયે એટલુ સહજ થઇ ગયુ: તબીબોની દ્રષ્ટીએ સેનીટાઇઝરના ઉપયોગમાં પણ કાળજી જરૂરી : હેન્ડ સેનીટાઇઝર માઇલ્ડ હોય પણ સ્પ્રે સેનીટાઇઝર થોડુ સ્ટ્રોંગ આવે, તેનો તબીબી ગાઇડ લાઇન મુજબ જ ઉપયોગ થવો જોઇએ

રાજકોટ તા. ૪ : કોરોના ઇફેકટ કહો કે ગમે તે કહો, પણ જે વસ્તુથી હમણા સુધી સૌ કોઇ અજાણ હતા તે 'સેનેટાઇઝર' આજે સૌના હૈયે અને હોઠે વસી ચુકયુ છે.

અરે ભાઇ જીવ કોને વાલો ન હોય? ઉપરથી સુચનાઓ જારી થઇ કે કોરોના વાઇરસથી સાવધ રહેવુ હોય તો હાથમાં 'સેનેટાઇઝર' લગાવતા રહેજો. બસ પતી ગયુ. ત્યારથી આજે ઘરે ઘરે અને ઓફીસે ઓફીસે દરેક સ્થળોએ 'સેનેટાઇઝર'ની બોટલો ગોઠવાઇ ગઇ છે.

સાચી વાત પણ છે, સેનેટાઇઝર લીકવીડ એવુ દ્રવ્ય છે કે જે સાબુ પાણી વગર હાથને સ્વચ્છ કરી આપે છે.

આ દ્રવ્યની શોધ કાઇ નવી નથી થઇ. આપણા ડોટકરો અને નસીંગ સ્ટાફ વર્ષોથી આનો ઉપયોગ કરતા આવ્યા છે. ખાસ કરીને ઓપરેશન થીએટર અને આઇસીયુ જેવા સેન્સેટીવ વિભાગોમાં તેનો વધુ વપરાશ થાય છે. જનરલ વોર્ડમાં પણ જયારે કોઇ ઇન્જર્ડ થયેલાની તપાસ કરવાની હોય ત્યારે એટલે કે ઘાવ ખુલ્લા હોય અને બ્લડ સાથે સંપર્ક થઇ શકે તેમ હોય તેવી સ્થિતીમાં દર્દી અને સારવાર કરનાર બન્ને ચેપ મુકત રહે તેની તકેદારી માટે હાથને સેનીટાઇઝ કરવામાં આવતા હોય છે.

તબીબ કે નસીંગ સ્ટાફ ગ્લોઝ પહેરીને કામ કરતા હોય છે. પરંતુ આ ગ્લોઝ પહેરતા પહેલા અને ગ્લોઝ ઉતાર્યા પછી પોતાના હાથને આ લીકવીડથી સેનીટાઇઝ કરતા હોય છે.

આમ તબીબી જગત માટે સેનીટાઇઝર કોઇ નવી વસ્તુ નથી. પરંતુ હાલ કોરોના ઇફેકટ કહો કે ગમે તે કહો, પણ સેનીટાઇઝર સાવ સામાન્ય થઇ ગયુ છે. માત્ર હોસ્પિટલમાં જ જોવા મળતી આ વસ્તુ ઘરે ઘરે પહોંચી ગઇ છે.

પાંચ સાત વર્ષના બાળકને પુછો ને તો એ પણ તમને સેનીટાઇઝર શું કામમાં આવે તેની ઉપયોગીતા વર્ણવી દેયે તેવી બોલબાલા આજે સેનીટાઇઝરની નીકળી પડી છે.

જો કે તબીબોની દ્રષ્ટીએ સેનીટાઇઝરના ઉપયોગમાં પણ કાળજી જરૂરી બની રહે છે. બજારમાં હેન્ડ સેનીટાઇઝર અને સ્પ્રે સેનીટાઇઝર એમ બે પ્રકારો ઉપલબ્ધ હોય છે. ખાસ કરીને સ્પ્રે સેનેટાઇઝર થોડુ સ્ટ્રોંગ હોય છે. એટલે તેનો ઉપયોગ જે ખુબ જાળવીને અને કોઇ નિષ્ણાંત તબીબોની સલાહ મુજબ કરવાનો થતો હોય છે. જયારે હેન્ડ સેનીટાઇઝર ઘણું હળવુ હોય છે. છતાય હેન્ડ સેનીટાઇઝર લગાવ્યુ હોય તો પણ આંખ, નાક, મોં ને હાથ ન અડાડવાનો ખ્યાલ ઉપયોગ કરતાએ રાખવો જરૂરી બની રહે છે. હેન્ડ સેનેટાઇઝર ભલે લગાવો પરંતુ જમવા બેસતી વખતે તો સાબુ પાણીથી જ હાથ સાફ કરવા સલાહભરેલુ માનવામાં આવે છે.

આમ તો માસ્કનું પણ આવુ જ છે પણ માસ્કની બોલબાલા કોરોના સમયે થયાનું અનુચિત ગણાશે. કેમ કે આ પહેલા સ્વાઇન ફલુ, ડેંગ્યુ જેવી બીમારીએ માથુ ઉંચકયુ ત્યારે માસ્કની ઉપયોગીતા જાહેર થઇ ચુકી હતી. પણ સેનીટાઇઝર તો હમણા જ ચિત્રમાં આવ્યુ અને જાણે કે તેનો સીતારો ચમકી ગયો હોય તેમ ઘરે ઘરમાં છવાય ગયુ એમ ચોકકસ કહી શકાય.

(11:46 am IST)