Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઉ.પ્રદેશ સરકાર કરી રહી છે તૈયારી

૧પ એપ્રિલથી કેટલીક શરતો સાથે ખુલી શકે છે લોકડાઉન

લખનૌ તા. ૪ :.. કોરોનાને ફેલાતો રોકવા ૧૪ એપ્રિલ સુધી આખા દેશમાં લોકડાઉન છે. હવે સરકારે લોકડાઉનને ખોલવાની તૈયારીઓ પર ચર્ચા શરૂ કરી દીધી છે.  શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ અંગે અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે લોકડાઉન ખૂલવાનો મતલબ સંપૂર્ણ  છૂટ નહીં હોય. યુપી સરકાર ૧૪ એપ્રિલ પછી લોકડાઉન હટાવશે તો ઘણાં પ્રતિબંધો ચાલુ રાખશે. આનો ઉદેશ અફરા તફરી રોકવાનો તથા સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરાવવાનો છે.

સુત્રો અનુસાર, શાળા, કોલેજો હજુ પણ એક નિશ્ચીત સમય સુધી બંધ રાખશે. પણ ટેકનીકલ અને વ્યવસાયિક કોલેજો ખોલવાની તૈયારી છે. લોકડાઉન જયારે ખુલશે ત્યારે સૌ પહેલા એ લોકોને આવવા જવામાં પ્રાથમિકતા અપાશે જેઓ અહીં કે ત્યાં ફસાયેલા છે, અને ઘરે નથી જઇ શકતા તેમના માટે સીમીત રીતે પરિવહન સેવા ચાલુ કરાશે.

સરકાર પહેલા એવા જીલ્લાઓમાંથી લોકડાઉન હટાવશે, જયાં સંક્રમણના કેસો ઓછા છે. તેમાં પણ વાયરસના સંક્રમણ વાળા હોટ સ્પોટ નકકી કરાઇ રહ્યા છે. સુત્રો જણાવે છે કે તબ્લીગી જમાતના સંક્રમીત લોકો કેટલાય જીલ્લાઓમાં પહોંચી ચુકયા છે અને કોરોના કેરીયર બનેલા છે. આ લોકોના કારણે ખાસ જીલ્લા અથવા તેમના ખાસ વિસ્તારોમાં તપાસ પુરી થવા સુધી પ્રતિબંધ રહેશે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મીટીંગ કરી ટીમ-૧૧ ના અધિકારીઓ સાથે લોકડાઉન ખુલવાની સ્થિતીની ચર્ચા કરી મુખ્ય પ્રધાને કહયું દરેક જરૂરીયાતમંદ સુધી સમયસર ભોજન પહોંચાડવા માટે સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લો. સંબંધિત જીલ્લાઓના કલેકટરો સાથે સમન્વય કરીને આંગણવાડીનો પૌષ્ટિક આહાર પણ ઘર ઘર સુધી પહોંચાડો. સરકાર ૧૦૦૦ કરોડ રૂપિયાનું કોરોના કેર ફંડ ઉભુ કરશે. આ ફંડ દ્વારા ટેસ્ટીંગ લેબની સુવિધાઓ વધારવાની સાથે સારવારમાં જરૂરી ઉપકરણો જેવા કે વેન્ટીલેટર, માસ્ક, સેનેટાઇઝર, પીપીઇ વગેરેની  વ્યવસ્થા કરાશે. એવો પ્રયાસ પણ કરવામાં આવશે કે રાજયના દરેક જીલ્લા અને બધી ર૪ સરકારી મેડીકલ કોલેજોમાં તપાસની સુવિધા હોય.

(11:44 am IST)