Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

દેશમાં કોરોનાનો હાહાકારઃ ૯૮ના મોતઃ પોઝીટીવ કેસ ૩૨૦૦ને પાર

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભિરઃ ૫૩૭ કેસ નોંધાયાઃ યુપી-આગ્રામાં ૨૫ નવા કેસ નોંધાયાઃ ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનકઃ છેલ્લા અઠવાડીયામાં ત્રણ ગણાં વધુ કેસ નોંધાયાઃ દિલ્હીમાં ૪૦૦ કેસ નોંધાયાઃ દિલ્હીમાં એક સાથે ૧૦૮ ડોક્ટર-નર્સ કોરેન્ટાઇન કરાયા

નવી દિલ્હી,તા.૪: સમગ્ર વિશ્વમાં કોરોનાએ આતંક મચાવ્યા બાદ ભારતમાં પણ પગપેસારો વધતો જોવા મળ્યો છે. દિલ્હીની નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કારણે દશમાં કોરોનાના કેસોમાં સૌથી વધારો જોવા મળ્યો છે. અને આંકડો ૩૦૦૦ને પાર પહોંચી ગયો છે. અને આ ખતરનાક જીવલેણ બીમારીએ દેશમાં ૯૪નો ભોગ લીધો છે. અને ૨૧૧ સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર બનતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૫૩૭ કેસ અને ૨૬ના મોત થયા છે. તેમજ દિલ્હીમાં ૪૦૦ કેસ નોંધાયા છે.  યુપી-આગ્રામાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. ૨૫ નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આજે રાજસ્થાન અને તેલંગાણામાં એક-એકનું મોત થયું છે. તેમજ આંધ્રપ્રદેશમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં એકનું આજે મોત થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયેલા ડોકટર્સ, નર્સીસ અને મેડિકલ સ્ટાફ પણ આ મહામારીની ઝપટમાં આવી રહ્યા છે. દિલ્હી અને મુંબઇના ચાર ડોકટરો અને બે નર્સ બાદ હવે તાજો મામલો દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવતાં ડોકટર્સ અને નર્સીસ સહિતના ૧૦૮ મેડિકલ સ્ટાફને કવારેન્ટાઇન કરી દેવાયા છે.

કોરોના વાયરસથી સંક્રમિત બે દર્દીઓના સંપર્કમાં આવ્યાકહેવામાં આવી રહ્યું છે કે આ લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બે દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. આ દર્દીઓનો બીજો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. હોસ્પિટલના ૧૦૮ સ્ટાફમાંથી ૮૫ લોકોને ઘરોમાં કવોરેન્ટેઇન કરવામાં આવ્યા છે જયારે ૨૩ અન્ય લોકોને હોસ્પિટલમાં કવોરેન્ટેઇન કરાયા છે. આ લોકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે, હજી સુધી તેમાંથી કોઈ પણ કોરોનાથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ નથી.

બંને દર્દીઓ અન્ય કોઈ રોગની સારવાર માટે ગંગારામ હોસ્પિટલ આવ્યા હતા. ત્યારે તેઓમાં કોરોનાનાં લક્ષણ દેખાયા નહોતો. પરંતુ હોસ્પિટલે સાવચેતી રૂપે તેમનું પરીક્ષણ કરાવ્યું આ ટેસ્ટમાં બંને પોઝિટીવ આવ્યા.

દિલ્હી અને મુંબઇના ચાર ડોકટર અને બે નર્સને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. તેમાંથી બે કેસ દિલ્હીના સફદરજંગ અને એક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના છે. તો મુંબઇમાં એક ડોકટર અને નર્સ પણ પોઝિટીવ આવ્યા. આ તમામને તત્કાલિક આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા.

(3:33 pm IST)