Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભારતમાં સપ્ટેમ્બર સુધી લંબાવાશે લોકડાઉનનો સમયઃ અમેરિકી ગ્રુપે રીપોર્ટ બહાર પડયા બાદ ફેરવી તોડયુ

બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપનો રીપોર્ટઃ ભારત જૂનના ચોથા સપ્તાહ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે લોકડાઉનને હટાવવાનું શરૂ કરશેઃ રીપોર્ટ અનુસાર જૂનના ત્રીજા સપ્તાહમાં ભારતમાં કોરોનાના નવા કેસો ઉચ્ચત્તમ સપાટી પર હશેઃ હોબાળો મચ્યા બાદ કહ્યુ...અમારી સંમતિ વગર રીપોર્ટ બહાર પડયો છે

નવી દિલ્હી, તા. ૪ :. જ્યારથી કોરોના વાયરસના કહેરને કારણે ૨૪મી માર્ચના રોજ વડાપ્રધાન મોદી દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારથી લોકો ૨૧ દિવસના લોકડાઉનની સમાપ્તીનો દિવસ એટલે ૧૪મી એપ્રિલની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જે રીતે રોજેરોજ ભારતમાં કોરોનાના કારણે મૃત્યુના દરમાં વધારો થઈ રહ્યો છે અને જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવે તેવી શકયતા છે અને હવે અમેરિકાની એક કન્સલ્ટીંગ કંપનીએ પણ આવુ જ કહ્યુ છે. આ કંપનીએ કહ્યુ છે કે ભારતમાં સપ્ટેમ્બર સુધી લોકડાઉનનો સમય વધારવામાં આવશે.

બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે જે અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી ભારતમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનને સપ્ટે.ના મધ્ય સુધી લંબાવવામાં આવી શકે છે. મની કંટ્રોલ અને બીઝનેશ ટુડેમાં છપાયેલા આ ગ્રુપના રીપોર્ટના હવાલાથી જણાવાયુ છે કે ભારત જૂના ચોથા સપ્તાહ અને સપ્ટે.ના બીજા સપ્તાહની વચ્ચે દેશવ્યાપી લોકડાઉનને હટાવવાનુ શરૂ કરશે.

અભ્યાસમાં જણાવાયુ છે કે પ્રતિબંધ હટાવવામાં વિલંબ દેશના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી અને સાર્વજનિક નીતિ પ્રભાવશીલતાના રેકોર્ડના કારણે ઉત્પન્ન પડકારોનું પ્રમાણ હોય છે. રીપોર્ટમાં એવી આશંકા વ્યકત કરવામાં આવી છે કે ભારતમાં જૂનના ત્રીજા સપ્તાહ સુધી કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી જશે.

અમેરિકન કન્સલ્ટીંગ ફર્મ બીસીજીનો રીપોર્ટ કોરોના વાયરસ મહામારી પર નિયંત્રણના ઉપાયો પર કેન્દ્રીત છે. આ રીપોર્ટ ૨૫ માર્ચ સુધીના અનુમાનો પર તૈયાર કરવામાં આવેલ છે. જે જોન હોપીન્સ યુનિ.ના ડેટાના પૂર્વાનુમાન લગાવતા મોડલીંગ પર આધારીત છે.

રીપોર્ટમાં દેશની સ્થિતિ, જે સંપૂર્ણ રીતે લોકડાઉન છે કે નહિ, સંભવિત લોકડાઉનની શરૂઆતની તારીખ, સંબંધીત દેશો માટેના પીક ડેટસ અને લોકડાઉનના સમાપ્ત થવાની તારીખના માપદંડ પર કોરોનાથી સંબંધીત લોકડાઉન સમાપ્ત થવાની અનુમાનીત તારીખ બતાવવામાં આવી છે.

મોદી સરકારે ૨૪મી માર્ચે યુકે, પોલેન્ડ અને કોલંબીયા જેવા અન્ય દેશોએ લગાવેલા પ્રતિબંધો અનુસાર લોકડાઉનની જાહેરાત કરી હતી. હાલ કોરોનાના ૩૦૦૦થી વધુ કેસ થયા છે અને દેશમાં ૯૦થી વધુ લોકોના મોત થયા છે. રીપોર્ટ અનુસાર બ્રાઝીલ, આર્જેન્ટીના અને સાઉથ આફ્રિકામાં ઓગષ્ટ સુધી લોકડાઉન ચાલુ રહે તેવી શકયતા છે. ભારતમા હેલ્થ સિસ્ટમના પડકારોને જોતા લોકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે. રીપોર્ટ અનુસાર ભારતે ચીનના લોકડાઉનના સમય પ્રમાણે લોકડાઉન જાહેર કરેલ છે.

જો કે બાદમાં આ રીપોર્ટ અંગે બીસીજીએ એક નિવેદન આપ્યુ છે અને કહ્યુ છે કે અમારી સંમતિ વગર કે અમારા ઓથોરાઈઝેશન મુજબ આ રીપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેણે સ્પષ્ટતા કરી છે કે અમે કોઈ સત્તાવાર રીતે આવુ કંઈ કહ્યુ નથી અને ભારતમાં કયારે લોકડાઉન ઉઠાવાશે ? તેની સત્તાવાર માહિતી અમે બહાર પાડી નથી. અમે માત્ર શકયતાઓ જ દર્શાવીએ છીએ.

(1:17 pm IST)