Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વિશ્વમાં હાલ ૩.૯ બિલિયન લોકો ઘરમાં કેદ

બેંગકોક, તા.૪: કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા અડધું વિશ્વ અત્યારે લોકડાઉન છે. આ કિલર વાયરસનો ડર એવો છે કે ૩.૯ બિલિયન લોકો દ્યરમાં બેઠા છે. આ વાયરસના કારણે અત્યારસુધી વિશ્વભરમાં ૫૦,૦૦૦ થી ધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શુક્રવારના રોજ થાઈલેન્ડ સરકારે પણ કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખતા કર્ફ્યુની જાહેરાત કરી છે.

 

ઈટલીની રાજધાની રોમમાં કોરોના વાયરસના કહેરને જોતા લોકોને દ્યરોમાં નજરબંધ કરવામાં આવ્યા છે. યૂરોપના દેશ બ્રિટન, ફ્રાન્સ, ઈટલી અને સ્પેનમાં લોકોની આવન-જાવન પર પ્રતિબંધ છે. તો એશિયામાં ભારત, નેપાળ અને શ્રીલંકામાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધારે સંક્રમિત લોકોના કેસો અમેરિકામાંથી સામે આવ્યા છે. અહીંયા સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૨,૪૫,૩૭૩ પર પહોંચી ગઈ છે. તો બીજા સ્થાન પર ઈટલી છે કે જયાં ૧,૧૫,૨૪૨ લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યારસુધીમાં ૫૦,૦૦૦ લોકો જીવ ગુમાવી ચૂકયા છે. અત્યારસુધીમાં ૧ દિવસમાં સૌથી વધારે મૃત્યુની સંખ્યા અમેરિકામાંથી સામે આવી છે.

જોન હોપકિંસ વિશ્વવિદ્યાલયના આંકડાઓ અનુસાર, અમેરિકામાં આ રોગથી આશરે ૬,૦૦૦ જેટલા લોકોનું મોત થયું છે. આમાંથી ૧૧૦૦ થી વધારે લોકોનું મોત છેલ્લા ૨૪ કલાકમાં થયું છે. આ વૈશ્વિક મહામારીથી આખા વિશ્વની અર્થવ્યસ્થા રિતસરની મુરઝાઈ રહી છે. નવા આંકડાઓ અનુસાર ૬૬.૫ લાખ વધારે અમેરિકીઓએ ગત સપ્તાહે બેરોજગારી લાભ માટે ફોર્મ ભર્યા હતા.

(10:17 am IST)