Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોનાને કારણે ફૂટશે મોંઘવારીનો બોંબઃ ચીજવસ્તુઓ મોંઘીદાટ બનશે

એશીયાઈ વિકાસ બેન્કનું અનુમાનઃ મોંઘવારીનો દર ૩.૨ ટકા સુધી પહોંચી શકે છેઃ પુરવઠો ઘટવાને કારણે ભાવ વધવાની આશંકાઃ હાલ ખેડૂતોને ખેતરોથી બજાર સુધી માલ પહોંચાડવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છેઃ બેન્કના અનુમાન મુજબ ૨૦૨૧માં મોંઘવારીનો દર ઘટવા લાગશે

નવી દિલ્હી, તા. ૪ :. એશીયાઈ વિકાસ બેન્ક એટલે કે એડીબીએ એવુ અનુમાન આપ્યુ છે કે કોરોના સંકટના કારણે દેશમાં મોંઘવારી વધશે. આ બેન્કના અનુમાન અનુસાર ખાવા-પીવાની ચીજોના ભાવમાં વધારો થવાને કારણે ૨૦૨૦માં મોંઘવારી વધશે અને આવતા વર્ષ એટલે કે ૨૦૨૧માં તે ઘટવી શરૂ થશે.

બેન્કના રીપોર્ટ અનુસાર વર્ષના પ્રથમ ૬ મહિના વધુ પડકાર રહી શકશે અને તે પછીના ૬ મહિનામાં સ્થિતિ સુધરે તેવી શકયતા છે. રીપોર્ટ અનુસાર પ્રાદેશિક મોંઘવારી વર્ષ ૨૦૧૮માં ૨.૫ ટકાથી વધી ૨૦૧૯માં ૨.૯ ટકા પર પહોંચી હતી. આની પાછળનું મોટુ કારણ ભારતમાં ખાવાપીવાની ચીજો અને ખાસ કરીને શાકભાજીના ભાવોમાં વધારો હતો.

જો કે મોંઘવારી પાછલા ૧૦ વર્ષના સરેરાશ ૩.૩ ટકાની નીચે રહી છે પરંતુ હવે આ આંકડો ૩.૨ ટકા સુધી પહોંચી શકે છે. જો કે ૨૦૨૧માં આર્થિક ગતિવિધિ નબળી રહેવાથી મોંઘવારી ઘટીને ૨.૩ ટકા પર પહોંચે તેવુ અનુમાન છે.

દેશમાં મોંઘવારી વધવા પાછળનું મોટુ કારણ પુરવઠાની ચેઈનમાં ખામીઓને માનવામાં આવે છે. નિષ્ણાંતો કહે છે કે ખાવાપીવાની ચીજો અને શાકભાજી દેશમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં થઈને સમગ્ર દેશમાં વેચાય છે. આ આધારે માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન રહેતુ નથી. હાલ આ ચેઈન સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે.

હાલ ખેડૂતોને બજાર સુધી માલ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. લોકડાઉનને કારણે અનેક અડચણો ઉભી છે.

લોકડાઉન ખૂલ્યા બાદ ડીમાન્ડ વધશે અને તેને કારણે મોંઘવારી પણ વધશે તેવુ માનવામાં આવે છે.

(1:16 pm IST)