Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

બાલાકોટ એરસ્ટ્રાઇક વખતે

૩૦૦ જેટલા ત્રાસવાદીઓ હણાયા હશે

વિંગ કમાન્ડર અભિનંદનના પિતાનો દાવો

ચેન્નાઇ તા.૪: રીટાયર્ડ એર માર્શલ સિમ્હાકુટ્ટી વર્ધમાને બુધવારે કહ્યું કે ભારતીય એર સ્ટ્રાઇકમાં બાલાકોટના આતંકવાદી કેમ્પમાં ફેંકવામાં આવેલ લેઝર ગાઇડેડ સ્પાઇસ-૨૦૦૦ બોમ્બ થી ૨૫૦-૩૦૦ આતંકવાદી મર્યા હશે. પાકિસ્તાનની એફ ૧૬ વિમાનને તોડી પાડયા પછી પાકિસ્તાનની સીમામાં પહોંચી ગયેલા અને ર દિવસ સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહી ચુકેલા વિંગ કમાન્ડર અભિનંદનના પિતા છે વર્ધમાન.

આઇઆઇટી મદ્વાસમાં ડીફેન્સ સ્ટડીઝના વિદ્યાર્થીઓ સાથે બાલાકોટ એર સ્ટ્રાઇક વિષે વાતચીત કરતા તેમણે આ વાત કરી હતી. તેમણે કહયું, '' ભારતીય વાયુસેનાએ હુમલો ત્યારે જ કર્યો હતો જયારે વધુમાં વધુ આતંકવાદીઓ  કેમ્પમાં હતા. શકય છે કે મકાનને ઓછંુ નુકસાન થયું હોય પણ બોમ્બ મોડો ફાટવાના કારણે વધુમાં વધુ આતંકવાદીઓ માર્યા ગયા હશે.''

તેમણે આગળ કહ્યું, '' પાકિસ્તાની એફ-૧૬ વિમાન અને તેની AMRAAM મિસાઇલો ખરેખર આપણા માટે ખતરો છે. આપણે બાલાકોટ તરફ આગળ વધતી વખતે એફ-૧૬ને ઉંધા માર્ગે દોરવાનું હતું એટલે આપણે તેમને ભ્રમિત કર્યા હતા. એટલે આપણે સાત વિમાનોને બહાવલપૂરની દિશામાં મોકલ્યા જયાં જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય છે. પાકિસ્તાનને લાગ્યું કે આપણે બહાવલપૂર પર હુમલો કરવા જઇ રહયા છીએ એટલે તેણે આપણા વિમાનોને રોકવા માટે એફ ૧૬ વિમાનો તે દિશામાં મોકલ્યા. બરાબર એ જ સમયે આપણે બાલાકોટ પર હુમલો કરવા માટે વિમાનો મોકલી આપ્યા. આમ પાકિસ્તાનની એરફોર્સ આપણા ઝાંસામાં આવી ગઇ.''

એર માર્શલ વર્ધમાને કહ્યું કે, પાકિસ્તાન સચેત હતું અને તે જાણતું હતું કે ભારત હુમલો કરશે. જો કે તેમણે એ આભાસ નહોતો કે આપણે તેની સરહદમાં ઘુસી જઇશું. તેમણે કહ્યું કે એર સ્ટ્રાઇક આ બધો તેમનો અંદાજ છે શકય છે કે તેમ ન પણ બન્યું હોય.

(11:36 am IST)