Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

લોકસભા ચૂંટણી જંગ-૨૦૧૯

ગુજરાતમાં ૪.૫૧ કરોડ મતદારો : ૧૦ લાખ મતદારો પહેલીવાર કરશે મતદાન : ત્રીજી જાતિના ૯૯૦ મતદારો

૨,૩૪,૨૮,૧૧૯ પુરૂષ તો ૨,૧૫,૯૬,૫૭૧ મહિલા મતદારો : ૨૩મીએ મતદાન કરશે

નવી દિલ્હી તા. ૪  : આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ગુજરાતની જે અંતિમ મતદાર યાદી તૈયાર થઈ છે તેના મુજબ રાજયમાં કુલ ૪.૫૧ કરોડ મતદારો નોંધાયા છે, તેમાં ૧૦ લાખ મતદારો એવા છે જે પ્રથમ વખત મતદાન કરશે. રાજયમાં ૨૬ લોકસભા બેઠક પર ૨૩ એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. નવી મતદાર યાદીમાં ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિશ્નાએ જણાવ્યું કે, ૨ સપ્ટેમ્બર, ૨૦૧૮થી ૨૫ માર્ચ, ૨૦૧૯ સુધીમાં રાજયમાં રાજયમાં ૧૦.૦૫ નવા મતદારો ઉમેરાયા છે. હવે ગુજરાતમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો છે. જેમાં ૨,૩૪,૨૮,૧૧૯ કરોડ પુરુષ મતદાર અને ૨,૧૫,૯૬,૫૭૧ કરોડ મહિલા મતદાર છે. રાજયમાં ત્રીજી જાતિના મતદારોની સંખ્યા ૯૯૦ નોંધાઈ છે.

નવા નામ ઉમેરવા, જૂનાની બાદબાકી, સુધારા-વધારા કરવા અથવા સરનામામાં ફેરફારની અરજીઓ ચકાસી લીધા બાદ આ નવી અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.

રાજયની ૨૬ લોકસભા બેઠક માતે તૈયાર થયેલી નવી મતદાર યાદી મુજબ નવસારીમાં સૌથી વધુ ૧૯.૭૧ લાખ મતદારો નોંધાયા છે. ત્યાર પછી બીજો ક્રમ ગાંધીનગર (૧૯.૪૫ લાખ), ત્રીજા ક્રમે રાજકોટ (૧૮.૮૩ લાખ), ચોથા ક્રમે સુરેન્દ્રનગર (૧૮.૪૭ લાખ) અને પાંચમા ક્રમે બારડોલી (૧૮.૨૬) લાખ છે. ભરૂચ સંસદીય બેઠકના મતદારોની સંખ્યા સૌથી ઓછી ૧૫.૬૪ લાખ છે.

ક્રિશ્નાએ જણાવ્યું કે, ૨ એપ્રિલ સુધી રાજયમાં કુલ ૧૨૭ ઉમેદવારોએ તેમના નામાંકન ફોર્મ ભર્યા છે. રાજયમાં નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ ૪ એપ્રિલ છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રાજયમાં ૧૦ માર્ચના રોજ લાગુ થયેલી ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પછી ઈન્ટકમ ટેકસ વિભાગ, ફલાઈંગ સ્કવોડ અને રાજય સર્વેલન્સ ટીમ દ્વારા અત્યાર સુધી રૂ.૩.૩૭ કરોડ રોકડ રકમ પકડવામાં આવી છે. જેમાં રૂ.૧.૬૩ કરોડ અમદાવાદ, રૂ.૯૩ લાખ વલસાડ અને સુરતમાંથી રૂ.૪૪.૭૦ લાખની રકમ પકડાઈ છે.

રાજયમાં ૧૦ માર્ચના રોજ લાગુ કરવામાં આવેલી આદર્શ આચાર સંહિતા પછી કુલ ૫૬,૯૨૫ નોંધાયેલા હથિયારોમાંથી ૫૧,૬૭૭ હથિયાર જે-તે સત્તાવાળા સમક્ષ જમા કરાવી દેવાયા છે. આ ઉપરાંત ૪૪,૯૪૮ બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે અને ૧.૯૦ લાખ લોકોની સીઆરપીસી ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.(૨૧.૬)

(9:59 am IST)